નવી દિલ્હીઃ ૩૬ વર્ષીય કેનેડિયન પોલ અલ્ફોન્સોએ ભાગેડુ ભારતીય ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદી પર આરોપ લગાવ્યા છે કે, નીરવે તેમને ૨ લાખ ડોલર (લગભગ ૧.૫ કરોડ રૂપિયા)ની કિંમતવાળી નકલી હીરાની અંગૂઠીઓ વેચી દીધી હતી. પોલે તે અંગૂઠીઓ પોતાની ફિયાન્સી માટે ખરીદી હતી.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ અનુસાર પોલનું કહેવું છે કે, તેઓ ઘણી વખત નીરવ મોદીને મળ્યા છે અને તેમની મુલાકાત દોસ્તીમાં ફેરવાઈ ગઈ. આ દરમિયાન નીરવે પોતાના વિશે પોલને બધી જ માહિતી આપી. જે કારણે પોલ નીરવ મોદી પર વિશ્વાસ કરવા લાગ્યા. જ્યારે પોલને ખબર પડી કે, નીરવ ડાયમંડ મર્ચન્ટ છે ત્યારે તેમણે પોતાની ફિયાન્સી માટે એક કિંમતી અંગૂઠીનો ઓર્ડર નીરવને આપ્યો. નીરવે પોલને કહ્યું કે, તેઓ વિશ્વની શ્રેષ્ઠ અને કિંમતી અંગૂઠીઓ બનાવે છે. તે ઉપરાંત નીરવે પોલને અંગૂઠીઓ અસલી હોવાનું સર્ટિફિકેટ આપવાની વાત પણ કહી. પોલે જણાવ્યું છે કે, તેણે પહેલી અંગૂઠી ખરીદી તે ૩.૨ કેરેટની હતી અને તેની કિંમત લગભગ વીસ હજાર ડોલર હતી. તે પછી નીરવે પોલને વધુ એક વીંટી ખરીદવા માટે કહ્યું જેની કિંમત ૮૦ હજાર ડોલર હતી. પોલે અંગૂઠીના પૈસા તો ચૂકવી દીધા પરંતુ તેને કોઈ જ રીતનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહીં. તે પછી પોલે નીરવને ઘણા બધા મેઈલ કર્યાં, પરંતુ તેનો કોઈ જ જવાબ મળ્યો નહીં. તે પછી પોલે તે અંગૂઠીઓની તપાસ કરાવી તો તે નકલી નીકળી. જેથી પોલે નીરવ મોદી વિરુદ્ધ ન્યૂ યોર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલે નીરવ વિરુદ્ધ કેલિફોર્નિયાની કોર્ટમાં ૪.૨ લાખ ડોલરનો કેસ પણ દાખલ કર્યો છે. જેની સુનાવણી ૧૧ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ થશે.