મુંબઈ: પંજાબ નેશનલ બેન્કનાં આર્થિક કૌભાંડનાં મૂળ નાયક નીરવ મોદીએ કઈ રીતે રૂપિયાની ગેરરીતિ કરી એ કૌભાંડના રૂપિયા સગેવગે કર્યા એની વિગતો હવે બહાર આવી છે. તેણે પોતાની શેલ કંપનીઓ દ્વારા અબજો રૂપિયા બહેન પૂર્વી મહેતાને બહુ ચાલાકીથી ટ્રાન્સફર કર્યા હતા. પૂર્વીની કંપની ફાઇન ક્લાસિકને અને નીરવ મોદીની ફાઇવસ્ટાર હોલ્ડિંગની વચ્ચે આ મની લોન્ડરિંગનો વ્યવહાર થયો હતો.
દુબઈની એક શેલ કંપની દ્વારા પૂર્વી મહેતાની કંપની ફાઇન ક્લાસિકને રૂ. ૪૪૨ કરોડ આપવામાં આવ્યા હતા. એ રકમથી ફાઇન ક્લાસિકે નીરવ મહેતાની કંપની ફાયરસ્ટાર હોલ્ડિંગ (હોંગકોંગ)નાં એકાઉન્ટમાં એ રકમ ટ્રાન્સફર કરી તે સામે ફાયરસ્ટારના શેર્સ ખરીદવામાં આવ્યા. એ શેર્સ ફાઇન ક્લાસિકે પૂર્વી મહેતાને નામે ટ્રાન્સફર કર્યાં હતા. એ પછી પૂર્વી મહેતાએ એ શેર્સ વેચી નાંખ્યા અને તેનાં પર્સનલ એકાઉન્ટમાં રૂ. ૬.૫ કરોડ ડોલર (અંદાજે રૂ. ૪૪૨ કરોડ) જમા થયા હતા.
મની લોન્ડરિંગની બીજી ચાલાકી કરતી વખતે દુબઈની એક શેલ કંપનીએ ફાયરસ્ટાર હોલ્ડિંગમાં ૩.૫ કરોડ ડોલર (રૂ. ૨૩૮ કરોડ) જમા કરાવ્યા હતા. ફાયરસ્ટાર હોલ્ડિંગે એમ દર્શાવ્યું કે તેણે પૂર્વીની કંપની ફાઇન ક્લાસિક પાસેથી રૂ. ૧૩૬ કરોડની લોન લીધી હતી, એ ઉપરાતં નીરવની અન્ય બે કંપનીઓ સિનરજી કોર્પોરેશન-યુએસએ અને જૈફલ-યુએએસએ પૂર્વી પાસેથી રૂ. ૧.૫ કરોડ ડોલરની લોની લીધી છે. નીરવ મોદીએ બતાવ્યું હતું કે પૂર્વીએ ફાયરસ્ટારની સહાયક કંપનીઓને રૂ. ૩.૫ કરોડ ડોલર (અંદાજે રૂ. ૨૩૮ કરોડ)ની લોન આપી છે. ફાયરસ્ટારે લોન ચૂકવવા પૂર્વીને ૩.૫ કરોડ ડોલર આપ્યા. વધુ એક કિસ્સામાં જણાઈ આવ્યું હતું કે દુબઈની એક શેલ કંપની દ્વારા પૂર્વીના પતિ મયંક મહેતાનાં એકાઉન્ટમાં રૂ. ૨૦૪ કરોડ ટ્રાન્સફર કરાયા હતા. મયંક મહેતાએ રૂ. ૩ કરોડ ડોલર (રૂ. ૨૦૪ કરોડ) પૂર્વીને ભેટમાં આપી દીધા. જેમાંથી પૂર્વીએ રૂ. ર કરોડ ડોલરની ભારતની બેન્કમાં એફડી કરાવી લીધી. એ એફડીને આધારે તેણે યુકેમાંથી લોન લીધી. એ એકાઉન્ટ બંધ થવાનાં ૩ વર્ષ પહેલાં સુધી તેણે એ રકમ વાપરી અને એ જ નાણાંથી યુકેની લોનની રકમ ચૂકવી.
સિંગાપુર ડોલરની આવક
નીરવ મોદીએ જાન્યુઆરીમાં જ ભારત છોડી દીધો હતો. એણે સિંગાપુરના પરમેનન્ટ રેસિડેન્ટ માટે અપ્લાય કર્યું હતું. તેણે એ એપ્લિકેશનમાં વ્યવસાય તરીકે બિઝનેસમેન લખ્યું હતું અને માસિક દોઢ લાખ સિંગાપુર ડોલર (અંદાજે રૂ. ૭૫ લાખ)ની આવક દર્શાવી હતી. નીરવ મોદી ગ્લોબલ ઇન્વેસ્ટર પ્રોગ્રામની કેટેગરી હેઠળ એસપીઆર સ્ટેટસ મેળવવા માગતો હતો. સિંગાપુરના નાગરિકના જીવનસાથી, બાળકો અને માતા-પિતા એસપીઆર સ્ટેટસ માટે અપ્લાય કરી શકે છે. એ ઉપરાંત સિંગાપુરના નાગરિક સાથે જોડાયેલા કોઈપણ રોકાણકાર કે આંત્રપ્રિન્યોર પણ એસપીઆર સ્ટેટસ માટે અપ્લાય કરી શકે છે પણ તેને એસપીઆર સ્ટેટસ ન મળી શક્યું, કારણ કે સીબીઆઈએ તેની સામે કેસ દાખલ કરી દીધો હતો.