નવી દિલ્હીઃ ભારતમાં પબ્લિક સેક્ટરની બીજા નંબરની સૌથી મોટી બેન્ક પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાંડે દેશના બેન્કીંગ સેક્ટરને હચમચાવી નાંખ્યું છે. પાલનપુરના વતની અને હીરાજડીત જ્વેલરીમાં ‘નીરવ મોદી’ બ્રાન્ડથી મોખરાનું સ્થાન ધરાવતા નીરવ મોદીએ બેન્ક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરીને ૧.૭૭ બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ ૧૧,૩૩૦ કરોડ રૂપિયાની આ ગેરરીતિ આચર્યાનું ખૂલ્યું છે. જોકે ઈડીનું માનવું છે કે કૌભાંડનો કુલ આંકડો રૂ. ૧૭,૬૦૦ કરોડથી પણ વધીને આગળ જઈ શકે.
પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) મેનેજમેન્ટે જાન્યુઆરીના અંતમાં રૂ. ૨૮૦ કરોડની ગેરરીતિ સંદર્ભે નીરવ મોદી અને તેની માલિકીની ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રા. લિ. સહિતની જુદી જુદી કંપનીઓ સામે સીબીઆઇમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન નીરવ મોદી તેમજ તેના મામા અને ‘ગીતાંજલિ જેમ્સ’ના માલિક મેહુલ ચોકસીને સંડોવતું આ મસમોટું કૌભાંડ ખૂલ્યું હતું.
નીરવ મોદી ખુદના નામની જ બ્રાન્ડ થકી ડાયમંડ જ્વેલરી ઉદ્યોગમાં દબદબો ધરાવે છે તો મેહુલ ચોકસીની માલિકીની કંપની ‘ગીતાંજલિ જેમ્સ’, ‘જીલી ઇંડિયા’ અને ‘નક્ષત્ર બ્રાન્ડ’થી ડાયમંડ જ્વેલરી ઉદ્યોગમાં જાણીતી છે. પંજાબ નેશનલ બેન્કના મેનેજમેન્ટથી માંડીને મોદી સરકારના કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદે દાવો તો કર્યો છે કે દોષિતો ગમેતેવા વગદાર હશે તેમની સામે પગલાં લેવાશે અને ઓળવી જવાયેલા નાણાં પર પરત મેળવાશે, પરંતુ અત્યારે તો આ કૌભાંડે દેશમાં ખળભળાટ મચાવી દીધો છે.
હનીટ્રેપની આશંકા
એક તરફ નીરવ મોદી - મેહુલ ચોકસીની કંપનીઓ અને સંલગ્ન સ્ટોર્સ પર સીબીઆઈ અને ઈડીના દરોડા પડી રહ્યા છે ત્યારે બેફિકર નીરવ મોદીએ ૧૯મી ફેબ્રુઆરીએ મકાઉ અને ક્વાલાલુમ્પુરમાં બે નવા સ્ટોર્સ શરૂ કર્યાના અહેવાલ છે. આ બન્ને સ્ટોર્સ નીરવ સામે એફઆઈઆર થયા પછી શરૂ થયા છે તો આ કૌભાંડમાં નીરવની પત્ની અમી મોદીની સંડોવણી અને ભારતીય મોડેલો દ્વારા બેન્કના કર્મચારીઓને હની ટ્રેપ ફસાવ્યાની આશંકા વ્યક્ત કરાઈ છે.
પીએનબીના પૂર્વ મેનેજર ગોકુલનાથ શેટ્ટીએ ખુલાસો કર્યો છે કે, આ સમગ્ર કૌભાંડ મામલે બેંકના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ હતી. રિપોર્ટમા દાવો કરવામાં આવ્યો છે કે, પીએનબીના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથની બદલી ૨૦૧૩માં થવાની હતી. જો કે અજાણ્યા કારણોસર પાંચ વર્ષ પૂરા થયા બાદ પણ તેની બદલી કરવામાં આવી નહોતી.
ચોરી પર શિરજોરી
ભાગેડુ નીરવ મોદીએ ૧૯મીએ પહેલી વખત કહ્યું છે કે, પીએનબીએ આ રીતે કેસ જાહેર કરીને વાત બગાડી છે અને બેન્કે તેના પૈસા વસૂલવાના તમામ રસ્તા બંધ કરી દીધા છે. તેની સાથે જ નીરવ મોદીએ દાવો કર્યો છે કે તેમની કંપનીઓ દ્વારા બાકી બેન્કની રકમ જે દર્શાવામાં આવે છે તેન કરતાં ખૂબ જ ઓછી છે. નીરવે પીએનબી મેનેજમેન્ટને ૧૫-૧૬ ફેબ્રુઆરીના રોજ લખેલા એક પત્રમાં કહ્યું કે તેમની કંપનીઓ પર બેન્કના બાકી લેણાં રૂ. ૫૦૦૦ કરોડથી પણ ઓછા છે.
નીરવના વકીલ વિજય અગરવાલ?
ભારતનું વિદેશ મંત્રાલય, સીબીઆઈ કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને નીરવ મોદી કૌભાંડ કરીને દુબઈમાં છુપાયાની આશંકા છે ત્યારે અહેવાલ છે કે નીરવ મોદી ભારતના ચુનંદા વકીલો જોડે જાણે કોઈ કોર્પોરેટ સીઈઓ વીડિયો કોન્ફરન્સિંગ યોજી રહ્યો છે. રિપબ્લીકન ટીવીના અહેવાલ પ્રમાણે નીરવ મોદી દુબઈમાં હોવાની શક્યતા છે અને તેણે તેના કેસ માટે વિજય અગરવાલ રોકી પણ લીધો છે. ટુજી સ્પેક્ટ્રમના કથિત કૌભાંડીઓનો કેસ વિજય અગરવાલના નામે બોલે છે. ત્યાં સુધી કે અગરવાલે એક ન્યૂઝ ચેનલને ટેલિફોનિક ઈન્ટરવ્યુમાં આ અંગેની સત્તાવાર સમર્થન પણ આપ્યું કે મારી પર નીરવ મોદીનો તેનો કેસ લડવાની તૈયારી કરવાનું જણાવતો ફોન પણ આવ્યો હતો અને મેં તેનો કેસ લડવાનું સ્વીકારી પણ લીધું છે.
ઇન્ટરપોલની મદદ
આ કૌભાંડ જેમના ઇશારે આચરાયું હોવાનું મનાય છે તે નીરવ મોદી અને મેહુલ ચોકસી બન્ને પરિવારજનો સાથે દેશ છોડી ગયા હોવાનું મનાય છે. સીબીઆઇએ કૌભાંડના ચાર મુખ્ય આરોપીઓ નીરવ મોદી, તેની પત્ની અમી, ભાઈ નિશાલ મોદી અને તેમના મામા મેહુલ ચોક્સીને ઝડપી લેવા માટે ઇન્ટરપોલની મદદ માગી છે. આ પછી ચારે આરોપીઓ સામે ઇન્ટરપોલ દ્વારા ડિફ્યૂઝન નોટિસ બહાર પાડવામાં આવી છે. ડિફ્યૂઝન નોટિસનો ઉપયોગ ઇન્ટરપોલના સભ્ય દેશોમાં વ્યક્તિઓને શોધવા માટે થાય છે. ઉલ્લેખનીય છે કે નીરવની પત્ની અમી અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે જ્યારે નાનો ભાઇ નિશાલ બેલ્જીયમનો પાસપોર્ટ ધરાવે છે.
પાસપોર્ટ સસ્પેન્ડ
ભારત સરકારે નીરવ મોદી અને ગીતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોક્સીનાં પાસપોર્ટ એક મહિના માટે સસ્પેન્ડ કરી નાખ્યા છે. તો પંજાબ નેશનલ બેન્કે તેના ૧૮ કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાંખ્યા છે. પીએનબીએ નોંધાવેલી ફરિયાદના આધારે સીબીઆઇએ ગીતાંજલિ ગ્રૂપ સામે નોંધેલી નવી એફઆઇઆરમાં જણાવ્યું છે કે કંપનીએ પીએનબી સાથે ૪,૮૮૬.૭૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ એફઆઇઆરમાં ગીતાંજલિ જેમ્સ, જીલી ઇન્ડિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડના નામ પણ આરોપી તરીકે સામેલ કર્યા છે. સીબીઆઇએ આરોપ મૂક્યો છે કે પીએનબીના અધિકારીઓ ગોકુલનાથ શેટ્ટી અને મનોજ કરાતે નીરવ મોદી, મેહુલ ચોક્સી અને અન્યો સાથે મળી બેન્કને છેતરવાનું કાવતરું ઘડયું હતું.
કઇ રીતે કૌભાંડ આચર્યું?
પીએનબીએ ૨૯ જાન્યુઆરીએ સીબીઆઇ સમક્ષ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. નીરવ મોદીએ ૨૦૧૭માં બેન્કમાંથી ત્રણ કંપનીઓ માટે બેન્કના બે અધિકારીને સાધી બેન્ક સિસ્ટમમાં એન્ટ્રી કર્યા વિના રૂ. ૨૮૦ કરોડની બાયર્સ ક્રેડિટ પાંચ લેટર્સ ઓફ અંડરસ્ટેન્ડિગ (એલઓયુ) દ્વારા ઊભી કરવાની - ભારતીય બેન્કોની ઓવરસીઝ શાખાઓમાં - ‘સ્વિફ્ટ’ સૂચનાઓ ટ્રાન્સમિટ કરી હતી. બેન્કની ફરિયાદ અનુસાર આ પાંચ એલઓયુ અલ્હાબાદ બેન્કની હોંગકોંગ શાખાની અને ત્રણ એલઓયુ એક્સિસ બેન્કની હોંગકોંગ શાખાની તરફેણમાં ઇશ્યૂ કરાયા હતા. આ ત્રણે કંપનીઓમાં નીરવ મોદી, તેની પત્ની, ભાઇ અને મામા ભાગીદારો છે. આમ બે અધિકારીઓએ છેતરપિંડી આચરીને આઠ લેટર્સ ઓફ અંડરટેકિંગ ઇશ્યૂ કર્યા હતા અને મોદીની કંપનીઓ માટે બેન્ક સિસ્ટમમાં એન્ટ્રી કર્યા વિના ૨૮૦ કરોડ રૂપિયાની બાયર્સ ક્રેડિટ ઊભી કરવાની ભારતીય બેન્કોની ઓવરસીઝ શાખાઓમાં સ્વીફ્ટ સૂચનાઓ ટ્રાન્સમિટ કરી હતી.