નેધરલેન્ડમાં હજારો કુટુંબો પર ફ્રોડનો આરોપ મૂકીને બાળકોની સબસિડી છીનવવાનું કૌભાંડ

Friday 22nd January 2021 15:31 EST
 
 

એમ્સટર્કમ: નેધરલેન્ડ દુનિયાના સૌથી ઈમાનદાર દેશો પૈકી એક છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના ભ્રષ્ટાચાર અનુભવ સૂચકાંક (સીપીઆઇ)માં ગત વર્ષે નેધરલેન્ડ એવા ૧૦ દેશોમાં સામેલ હતું જ્યાં ભ્રષ્ટાચાર સૌથી ઓછો હતો, પણ ૧૫મી જાન્યુઆરીએ ભ્રષ્ટાચારને લીધે ડચ રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો. ખરેખર ત્યાં એક સરકારી કૌભાંડમાં હજારો પરિવારો પર છેતરપિંડીનો ખોટો આરોપ મૂકતાં તેમનાં બાળકો માટે મળતું ભથ્થું (સબસિડી) પાછું ખેંચી લેવાયું હતું. આ અંગેની હકીકત સામે આવતાં વડા પ્રધાન માર્ક રુટની સરકારે રાજીનામું આપવું પડ્યું. હાલ રુટ સરકાર ૧૭ માર્ચ સુધી સરકાર સંભાળશે. રુટે દેશના સમ્રાટ વિલિયમ એલેક્ઝેન્ડરને કૌભાંડની જાણ કરતા વાયદો કર્યો છે કે સરકાર જલદી ભરપાઈ કરશે.
એથનિક સમુદાયના લોકો પર આરોપ હતો
સંસદીય તપાસમાં જાણ થઇ કે ૨૦૧૨થી જ કૌભાંડ ચાલી રહ્યું હતું. આ દરમિયાન લગભગ ૨૬ હજાર વાલીઓ પર ખોટી રીતે બાળકો માટે સબસિડી લેવાનો આરોપ મુકાયો હતો તેમાં પણ એથનિક સમુદાયના વધુ લોકો હતા. આશરે ૧૦ હજાર પરિવારો પર છેતરપિંડીનો જુઠ્ઠો આરોપ લગાવી સબસિડી તરીકે મળેલા હજારો યુરો લોકોને પાછા આપવા મજબૂર કરાયાં હતાં. સબસિડી પાછી આપતાં અનેક પરિવારનું દેવાળિયું થઈ ગયું. અનેકમાં છૂટાછેડાની નોબત આવી ગઈ. પરિવારોથી પૈસા પાછા લેવા નાની-મોટી પ્રશાસનિક ભૂલોને નિશાન બનાવાઈ. જેમ કે જો કાગળ પર હસ્તાક્ષર ન દેખાય કે કોઈ અન્ય ખામી હોય તો તાત્કાલિક પરિવારને જૂઠ્ઠો ગણાવી દીધો જૂઠ્ઠો આરોપ લગાવી જેમને મજબૂર કરાયેલા તે એથનિક માઈનોરિટીના હતા. ૨૦ પરિવારોએ અનેક પ્રધાનો વિરુદ્ધ કાર્યવાહી કરી.
લાલચ આપી પણ સરકાર ન બચી
નેધરલેન્ડમાં સરકાર પરિવારોને બાળકોના ભરણ-પોષણ માટે એક નક્કી ભથ્થું આપે છે. તેને ચાઈલ્ડ કેર ભથ્થું કહેવાય છે. તેનાથી વાલીઓનો બાળકોના ઉછેરનો ખર્ચ ૮૦ ટકા સુધી ઘટી જાય છે. કોર્ટમાં જમા કરાયેલા દસ્તાવેજોમાં નેધરલેન્ડના સ્વાસ્થ્ય પ્રધાન અને નાણા પ્રધાનના નામ પણ સામેલ છે. કૌભાંડ સામે આવ્યું તો સરકારે ઉતાવળે દરેક પરિવાર માટે ઓછામાં ઓછા ૩૦૦૦૦ યુરો આપવાની જાહેરાત કરી. જોકે કૌભાંડને દબાવી ના શકાયું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter