કાઠમંડુઃ નેપાળના પર્વતારોહક પાસંગ દાવા શેરપાએ રવિવારે 26મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને વિશ્વ વિક્રમની બરાબરી કરી છે. પાસંગે સૌપ્રથમ 1998માં 8,849 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. તે સમયથી તેઓ લગભગ દર વર્ષે વિશ્વના સૌથી ઊંચા શિખરને સર કરતા રહ્યા છે. હાઇકિંગ કંપની ઇમેજિન નેપાળ ટ્રેક્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાસંગ દાવા રવિવારે હંગેરીના એક પ્રવાસી સાથે માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા હતા. આ સાથે જ 46 વર્ષીય પાસંગે નેપાળી શેરપા કામી રીતાના રેકોર્ડની બરાબરી કરી હતી. કામી રીતાએ ગયા વર્ષે 26મી વખત એવરેસ્ટ સર કર્યું હતું. અને આ વર્ષે પણ તેઓ એવરેસ્ટ પર સર કરવાનો પ્રયાસ કરવાના છે. આમાં જો તેઓ સફળ થશે તો તેમના નામે નવો રેકોર્ડ નોંધાશે.
હિમાલયન ડેટાબેઝ અને નેપાળી સત્તાવાળાઓ અનુસાર, સર એડમન્ડ હિલેરી અને શેરપા તેનઝિંગ નોર્ગેએ 1953માં પ્રથમ વખત એવરેસ્ટ પર ચઢાઇ કર્યા બાદ અત્યાર સુધીમાં 11,000થી વધુ લોકોએ એવરેસ્ટ સ૨ ક૨વાનો પ્રયાસ કર્યો છે. આમાંથી લગભગ 320 લોકો એક યા બીજા કારણસર માર્યા ગયા હતા.