કેમ્બ્રીજમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ અદા કરનાર દિપીકા ટેલર અને એની સખી રોશનીએ કાઠમંડુમાં ૭.૮ની તીવ્રતાના ભયાનક ભૂકંપનો કેવો અનુભવ કર્યો એની અાખી ઘટના અમે મંગળવારે દિપીકાના મોંઢે સાંભળી એની કેટલીક વિગતો એના જ શબ્દોમાં અત્રે રજુ કરીએ છીએ.
દિપીકાએ જણાવ્યું કે, "અમે અહીંથી કાઠમંડુ નજીક લેન્ગટેન્ગ પર્વતારોહણ કાજે નેપાળની સફરે ગયાં હતાં. પર્વતારોહણ કરી અમે અોશો તપોવનમાં યોગ તાલીમ માટે ગયાં હતા અને ત્યાંથી ૨૪ એપ્રિલ, શુક્રવારે કાઠમંડુના એક ગેસ્ટહાઉસમાં રોકાયાં હતાં. શનિવારે બપોરે ૧૨ વાગે હું અને રોશની તૈયાર થઇ શોપીંગમાં જવાની તૈયારી કરતાં હતાં ત્યાં જ વીજળીના કડાકા સાથે જાણે મેઘગર્જના થઇ હોય એવા ભયાનક અવાજ સાથે ધરતી ડોલવા લાગી, હું સીધી ઉભી રહી શકતી નહતી. ચારેબાજુ બૂમાબૂમ, ચીસાચીસ થતી સાંભળી મને લાગ્યું કે ચિક્કસ અા ધરતીકંપ થયો છે. હું બારણાની શાખ (ઉંબરા) ઉપર જ ઉભી રહી ગઇ, જેથી છત પડે તો બચી જવાય. ગેસ્ટ હાઉસની ઇમારત પડી નહિ પણ એમાં તિરાડ પડી ગઇ. ધરતીકંપ પછી સતત અાંચકા અાવતા હતા એટલે બધા જ ઘરો છોડી ખુલ્લા મેદાનમાં અાવી ગયા હતા. ગેસ્ટ હાઉસના નેપાળી માલિક નકુલ અંકલ ખૂબ સરસ સ્વભાવના હતા. તેમણે અમારી ખૂબ કાળજી રાખી અને લંડન એમ્બેસીમાં ફોન કરવા દીધા. ધરતીકંપ પછી વરસાદ પણ પડતો હતો એટલે તારપોલીનના ટેન્ટ બનાવી અમે સ્લીપીંગ બેગમાં ખુલ્લામાં સૂતા.”
અમે સવારે અડધા કલાક પહેલા જ "મન્કી ટેમ્પલ"- સ્વયંભૂ મંદિર જોયુ હતું એ ધરતીકંપમાં ધરાશયી થયું હતું. એની નીચે નેપાળી સુવેનિયર વેચનારા ગીફટ ટ્રેડર્સની દુકાનો હતી. બિચારા, એ લોકોનું શું થયું હશે?! કાઠમંડુની શેરીઅોના લાઇનબંધ મકાનો ધરાશયી થઇ ગયાં હતાં. કાઠમંડુ બહાર ગ્રામ્ય વિસ્તારોની દશા બહુ જ દયાજનક છે. ધરતીકંપ પછી બે-ત્રણ દિવસ ટ્રેમર (અાંચકા) ચાલુ જ હતા. ઇલેકટ્રી સિટી અને પાણી બંધ થઇ ગયા. ધરતીકંપની રાતે સૌ કોઇ સૂતા જ નહોતા.”
કાઠમંડુ એરપોર્ટ પર પ્રવાસીઅોનો ખૂબ ધસારો હતો, તમે લંડન કેવી રીતે અાવી શક્યા? એનો ઉત્તર અાપતાં દિપીકાએ કહ્યું કે, 'અમે એરપોર્ટ પર બે દિવસ રહ્યા. પ્રવાસીઅોથી એરપોર્ટ ભરચક હતું. વહેલા ઘરભેગા થવાની પ્રતિક્ષા કરતા સૌ એરપોર્ટ પર જ સૂઇ રહ્યા હતા. સોમવારે પણ બહુ ટ્રેમર અાવતા એટલે પ્લેન લેન્ડ થઇ શકે તેમ નહોતા. સોમવારે બપોરે જોરદાર અાંચકો અાવતાં સૌ પ્રવાસીઅો ભયભીત થઇ રન વે પર દોડી ગયા હતા.”
અા ભૂકંપની ભયાનકતા દિલોદિમાગમાંથી વિસરી શકાતી નથી. જ્યાં અમે યોગ તાલીમ લીધી હતી એ અોશો તપોવન દ્વારા ગ્રામ્યવિસ્તારમાં મેડિકલ કેમ્પ શરૂ કરાયા છે. અસરગ્રસ્ત પીડિતોને મેડિકલ કીટ અાપવામાં અાવે છે. ભગવાને અાપણને અહી સુખી-સમૃધ્ધ કર્યાં છે તો માનવતાની દ્રષ્ટીએ મારે પીડિતોની વહારે જવું જોઇએ. મેં અહીંથી સેવાકાર્ય (ચેરિટી કાર્ય) શરૂ કર્યું છે.”
દિપીકા એ હિન્દુ ફોરમ અોફ યુરોપના એકઝીકયુટીવ ડાયરેકટર શ્રીમતી ભારતીબેન ટેલરનાં પુત્રવધૂ છે.