કાઠમાંડુ, નવી દિલ્હી, વોશિંગ્ટનઃ નેપાળમાં ૨૫મી એપ્રિલે આવેલા ૭.૯ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારતીય ઉપખંડની ભૂગોળને પણ ખળભળાવી મૂકી છે. અમેરિકાની કોલંબિયા યુનિર્વિસટીની લેમોન ડોહેર્તી અર્થ ઓબ્ઝર્વેટરીના પ્રોફેસર કોલિન સ્ટાર્કે જણાવ્યું છે કે ભૂકંપને કારણે ભારત દેશ થોડી જ સેકન્ડોમાં નેપાળ તરફ ઉત્તરમાં ૧ થી ૧૦ ફૂટ ખસી ગયો છે. નેપાળના કાઠમાંડુ અને પોખરા વચ્ચે આવેલો ૧૦૦૦થી ૨૦૦૦ ચોરસ માઇલનો વિસ્તાર એક દિશામાં ખસી ગયો છે.
હિમાલયની પર્વતમાળામાં પણ વ્યાપક ભૂસ્તરીય બદલાવ આવ્યાં છે. બિહારની નીચે આવેલો રોક અથવા તો લિથોસ્ફિયરનો હિસ્સો હતૌદામાં નેપાળના ભરતપુર અને જનકપુર વચ્ચે આવેલા ઝોનમાં ઉત્તર તરફ ખસી ગયો હતો. કાઠમાંડુ શહેર ત્રણ મીટર ખસી ગયું છે. જોકે દુનિયાના સર્વોચ્ચ શિખર એવરેસ્ટની ભૂગોળમાં કોઇ બદલાવ થયો નથી. ભારતીય પ્લેટના દબાણના કારણે કાઠમાંડુ નીચેની ધરતી ૩ મીટર ખસી છે. પ્રારંભિક માહિતી પ્રમાણે કાઠમાંડુ નીચેની જમીન ત્રણ મીટર એટલે કે ૧૦ ફૂટ દક્ષિણમાં ખસી ગઇ છે.
ભારતીય ઉપખંડ પર કુદરતનો કોપ
કોપાયમાન થયેલી કુદરત એક પછી એક હોનારતો ભારતીય ઉપખંડ પર વરસાવી રહી છે. માર્ચ-એપ્રિલમાં કમોસમી વરસાદ અને કરાં દ્વારા ભારતમાં વ્યાપક વિનાશ કર્યા બાદ કુદરતે શનિવારે ધરતી ધ્રુજાવી દેતાં નેપાળમાં ૧૦,૦૦૦ માનવી મોતના મુખમાં ભરખાઇ ગયાંનો ભય છે.
નેપાળના ભૂકંપની સૌથી વિનાશક અસરનો સૌથી વધુ સામનો કરનાર ઉત્તર ભારતના બિહાર અને ઉત્તર પ્રદેશમાં આવેલી આંધીએ ૧૫ લોકોનો ભોગ લીધો હતો. અફઘાનિસ્તાનમાં જમીનો ધસી પડતાં બાવન માનવી જીવતા દટાઇ ગયાં હતાં અને પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ વિસ્તારને ૫.૫ની તીવ્રતાના ધરતીકંપે ધ્રુજાવી દીધો હતો.
ભારતીય પ્લેટ ઉત્તરમાં ખસે છે
ભૂસ્તરશાસ્ત્રીઓ લાંબા સમયથી પૃથ્વીની ટેક્ટોનિક્સ પ્લેટો પર નજર રાખી રહ્યાં છે. સમગ્ર ભારતીય ઉપખંડ પ્રતિ વર્ષ ૧.૮ ઇંચની ઝડપે નેપાળ અને તિબેટની નીચે ધસી રહી છે. કરોડો વર્ષથી યુરેશિયા અને ભારતીય પ્લેટ ટકરાઇ રહી છે.