પટનાઃ ભારત સાથેના સીમાવિવાદ બાદ નેપાળ સરકારે બિહારના પૂર્વી ચંપારણનાં ઢાકા અનુમંડલમાં લાલ બકેયા નદી પર ચાલતા ડેમનાં સમારકામની પરવાનગી માટે ઈનકાર કર્યો છે. આ અંગે બિહારના જળ સંસાધન પ્રધાન સંજયકુમાર ઝાએ ૨૨મી જૂને કહ્યું કે, નેપાળ ગંડક ડેમનાં સમારકામ માટે પરવાનગી નથી આપી રહ્યું જે લાલ બકેયા નદીનો મેન્સ લેન્ડનો ભાગ છે. આ ઉપરાતં નેપાળે ઘણાં સ્થળો પર સમારકામની કામગીરી રોકાવી છે. આ સ્થિતિ રહી તો બિહારમાં મોટું પૂર આવી શકે છે.
નેપાળનાં ગ્રામજનોની ગેરવર્તણૂક
આ ગંડક બેરેજના ૩૬ ગેટ છે. જેમાંથી ૧૮ નેપાળમાં છે. ભારતના વિસ્તારમાં પહેલાંથી ૧૭મા ગેટનું સમારકામ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરાયું છે. જ્યારે નેપાળના વિસ્તારમાં આવેલ ૧૮માં ગેટથી ૩૬માં ગેટ સુધીનું કામ હજુ સુધી થઈ શક્યું નથી. નેપાળ તેના સમારકામની સામગ્રી પણ નથી લઈ જવા દઈ રહ્યું. નેપાળ એ કામોમાં પણ અવરોધ લાવી રહ્યું છે જ્યાં અગાઉ ક્યારેય કોઈ અડચણો આવી નથી. આ ઉપરાંત નેપાળના બંજરહા ગામના લોકોએ ભારતના SSB સાથે ગેરવર્તણૂક પણ કરી છે.
આ વિવાદ ભારત નેપાળની બોર્ડરને દર્શાવતા પિલર નંબર ૩૪૫/૫ અને ૩૪૫/૭ની વચ્ચે પાંચસો મીટરની જમીન પર બન્યો છે. જે બાબતમાં જિલ્લા પ્રશાસને નેપાળમાં ઈન્ડિયન કોન્સ્યુલેટ જનરલ સહિત કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારને પત્ર લખીને સ્થિતિ વર્ણવી છે.
ભારતીય વિસ્તારોના હવામાનની માહિતી ભારતના વિરોધ વચ્ચે નેપાળ-ભારતના લિપુલેખ, કાલાપાની અને લિંબિયાધુરા વિસ્તારને નેપાળે પોતાના નામે ઠેરવીને નવો નકશો જાહેર કરી દીધા બાદ આ વિસ્તાર પર પોતાનો કબજો હોય તેવા પેંતરા શરૂ કર્યાં છે.
નેપાળના દારચુલા જિલ્લામાં આવેલા એફએમ રેડિયો સ્ટેશને તાજેતરમાં આ ત્રણેય ભારતીય વિસ્તારોના હવામાનની જાણકારી આપવાની શરૂ કરી છે.
ભારતીય વિસ્તારોમાં પણ રેડિયોના તરંગ પકડાતા હોવાથી આ સ્ટેશન ભારતીય વિસ્તારોને પોતાના ગણાવી તેના હવામાનની જાહેરાત કરી રહ્યું હતું. તે જાણવામાં આવ્યું છે.
ભારતીય સરહદમાં આવેલા કેટલાક વિસ્તારો જેવા કે ધારચુલા, બાલુઆકોટ, જૌલજીબી, કાલિકામાં પણ આ સ્ટેશનની ફ્રિકવન્સી પકડાય છે. સ્થાનિકોએ જ આ અંગેની જાણકારી આપી હતી. સ્થાનિકોએ કહ્યું કે, અગાઉ પણ આ રેડિયો સ્ટેશનની ફ્રિકવન્સી પકડાતી હતી પણ તેને અગાઉ ક્યારે આ ત્રણેય વિસ્તારોના હવામાનની જાણકારી નથી જાહેર કરી.