કાઠમંડુઃ નેપાળની બંધારણીય સભાએ સોમવારે થયેલા મતદાનમાં નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માગ નકારી હતી. બંધારણીય સભાના નિર્ણયના વિરોધમાં રસ્તા પર ઉતરી આવેલા નેપાળી લોકો અને પોલીસ વચ્ચે ઠેર-ઠેર અથડામણો સર્જાઇ હતી. આ અથડામણોમાં અનેક લોકોને ઇજા પહોંચી હતી. રાજાશાહી દરમિયાન નેપાળ અનેક સદી સુધી હિન્દુ રાષ્ટ્ર રહ્યું હતું. પરંતુ ૨૦૦૬માં રાજાશાહી નાબૂદ થયા પછી નેપાળને બિનસાંપ્રદાયિક દેશ જાહેર કરાયો હતો. નવા બંધારણ પર ગત રવિવારે શરૂ થયેલા મતદાનમાં એક તૃતિયાંશ કરતાં વધુ સભ્યોએ નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાના વિરોધમાં મત આપ્યા હતા. નેપાળની રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાનો પ્રસ્તાવ બંધારણીય સભામાં રજૂ કર્યો હતો. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. આ પ્રસ્તાવ પસાર કરાવવા માટે બંને પાર્ટીઓન બંધારણીય સભાના બે તૃતિયાંશ સભ્યોના મતની જરૂર હતી. પરંતુ તેનાથી ઉલટું થયું હતું. જેના પગલે પ્રસ્તાવ રદ થઇ ગયો હતો.