ભારત નેપાળ સરહદે મધેસીઓએ કરેલી નાકાબંધી જેવી સ્થિતિ નિવારવા અને હવાઇ ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત બનાવવા ચીન પાડોશી દેશ નેપાળને પોખરામાં ક્ષેત્રિય એર પોર્ટ બનાવવા માટે ૨૧ કરોડ ડોલરની હળવા વ્યાજની લોન આપશે. જો નેપાળ વિશ્વાસપાત્ર રીતે એની હવાઇ સેવાઓમાં સુધારો કરી શકતો હોય તો દક્ષિણી સરહદે નાકાબંધીના કારણે જે મુશ્કેલીઓ સહન કરવી પડી હતી તેને ટાળી શકાશે અને જીવનજરૂરી વસ્તુઓની અછતને નિવારી શકાશે એમ નેપાળના પ્રવાસન પ્રધાન આનંદા પ્રસાદ પોખારેલે આ મુદ્દે નિવેદન આપતાં ૨૦મી જાન્યુઆરીએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ચીને નેપાળની પેટ્રોલ ઉત્પાદનોની કુલ માગના ત્રીજા હિસ્સાને પહોંચી વળવા અઢી કરોડના પેટ્રોલના ઉત્પાદનો પૂરા પાડયા હતા, પરિણામે પેટ્રોલિયમ ક્ષેત્રે ભારત ૪૦ વર્ષથી જે ઇજારાશાહી ભોગવતો હતો તેને ચીને તોડી હતી.