કાઠમંડુઃ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીના સૂચન પછી દેશની ૨૭૫ સભ્યો વાળી સંસદ ૧૯મીએ ભંગ કરી દીધી હતી. રાષ્ટ્રપતિના નિર્ણય પ્રમાણે ૩૦ એપ્રિલ અને ૧૦ મેના રોજ બે તબક્કામાં ચૂંટણી થશે. નેપાળની સંસદ ભંગ કરવા મુદ્દે નેપાળની સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી સરકારને નોટિસ પાઠવી હતી અને સંસદ ભંગ શા માટે કરી તે મુદ્દે જવાબ માગ્યો હતો. પ્રચંડે સત્તાધારી પક્ષનું સુકાન પોતાના હાથમાં લીધું છે. એ બધા વચ્ચે નેપાળમાં દખલગીરી કરીને ચીન પક્કડ જમાવવા મથામણ કરી રહ્યું છે. ચીને નેપાળના રાજકીય સંકટમાં દખલગીરી શરૂ કરતા લોકો વધુ રોષે ભરાયા હોવાના અહેવાલ ૨૮મીએ હતા.
દહલ-પ્રચંડ અને માધવ કુમારની મુલાકાત
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા અને ઉપ પ્રધાન ઝુઓ યેઝાઉના નેતૃત્વમાં જિનપિંગના પ્રતિનિધિઓએ નેપાળમાં ધામા નાંખ્યા હતા. નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પ્રચંડ અને પૂર્વ વડા પ્રધાન માધવ કુમારને મળીને આ મામલે ચીનના પ્રતિનિધિઓએ ચર્ચા કરી હતી.
જિનપિંગનો સંદેશો લઈને આવેલા પ્રતિનિધિઓએ પ્રચંડ અને ઓલીને સલાહ આપી હતી કે, આંતરિક મતભેદોને ચર્ચા કરીને યોગ્ય રીતે ઉકેલો. મદદગાર સાથી સાબિત થવાનું નાટક કરીને ચીન નેપાળમાં રાજદ્વારી મજબૂતી ઈચ્છે છે, પરંતુ નેપાળના લોકોને એ મંજૂર નથી.
નેપાળના નાગરિકોએ ચીનના પ્રતિનિધિમંડળનો વિરોધ કર્યો હતો. સંસદની બહાર લોકોએ ચીનની દખલગીરી સામે રોષ ઠાલવ્યો હતો. લોકોએ બેનર લઈને સંસદની બહાર ચીનના પ્રતિનિધિમંડળને પાછા ફરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં, નેપાળની જે જમીન ચીને પચાવી પાડી છે તે પાછી આપવાની માગણી પણ લોકોએ કરી હતી.