કાઠમાંડુઃ ભૂકંપગ્રસ્ત નેપાળમાં ફસાયેલા પોતાના દેશના નાગરિકોને ઉગારવાની બાબતમાં ભારતીય સૈન્યની ઝડપી કામગીરી સામે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનો દેખાવ કંગાળ રહ્યો છે. આથી નેપાળમાં એવા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે પોતાના જ દેશના નાગિરિકોને ઉગારવામાં ચીની લશ્કરની કામગીરી ધીમી અને હતાશાજનક કેમ છે?
નેપાળના મીડિયામાં એ મુદો પણ ચર્ચાઈ રહ્યો છે કે અહીં ફસાયેલા હજારો નાગરિકોને ઉગારવા માટે ચીનના એરફોર્સનાં પ્લેનનો ઉપયોગ શા માટે કરાતો નથી.? ચીનના સંરક્ષણ વિભાગના પ્રવક્તાને પણ આ સવાલ પૂછવામાં આવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય સૈન્યની સરખામણીએ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનું વિશ્વનું સૌથી મોટું લશ્કર ગણાય છે. આમ છતાં નેપાળમાં ભારતીય સેનાની કામગીરી પ્રશંસનીય રહી છે.