કાઠમંડુ: નેપાળના સિંદુપાલચોકમાં રવિવારે એક અકસ્માતમાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં ૧૯ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સિંધુપાલ ચોકની પાસે તે સમયે થયો જ્યારે એક બસ બેકાબૂ થઇને પલટી ખાઈ ગઈ હતી. કહેવાય છે કે બસમાં ૪૦ યાત્રીઓ સવાર હતા. અકસ્માતનાં તરત બાદ જ ઘટનાસ્થળે રાહત તેમજ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ કાર્યાલય સિંધુપાલ ચોકનાં પ્રવક્તા ગણેશ ખનાલે જણાવ્યું કે, બસના ડ્રાઈવરે એક ટર્ન પર બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને એના પછી બસ સીધી ઊંડી ખીણમાં પડી હતી.
આ ઘટનામાં ૧૨ યાત્રીઓનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે અન્ય બે જણે હોસ્પિટલમાં દમ તોડ્યો. પોલીસનાં જણાવ્યા અનુસાર સુનકોસી ગ્રામીણ નગરપાલિકાની પાસે આવેલા રોડ પર બસ પલટી ખાઈ ગઈ હતી. આ બસ જાણીતા ધાર્મિક સ્થળ અને પર્યટન સ્થળ દોખલાનાં કાલીન ચોકથી કાઠમાંડુ જઈ રહી હતી.