કાઠમંડુ: નેપાળમાં રવિવારે સાંજે શરૂ થયેલા વરસાદ અને ભયંકર વાવાઝોડાને લીધે વિનાશ વેરાયો છે. તેની લપેટમાં આવતાં ૩૫ લોકો મૃત્યુ પામ્યા જ્યારે ૬૦૦થી વધુ ઘવાયા હતા. દક્ષિણ નેપાળના બારા જિલ્લામાં ૨૭ અને પર્સા જિલ્લામાં ૪ લોકો મૃત્યુ પામ્યાની સત્તાવાર પુષ્ટી કરાઈ હતી.
નેપાળની સેના, સશસ્ત્ર દળ અને પોલીસ બચાવ કામગીરી કરી રહ્યા છે. આશંકા છે કે જાનહાનિ વધી શકે છે. શરૂઆતમાં વાવાઝોડાને લીધે ૨૭નાં મોત અને ૪૦૦ ઘવાયાની માહિતી મળી હતી. મૃતકો અને ઘાયલોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. અધિકારીઓએ કહ્યું કે, વાવાઝોડાને લીધે મોટા પાયે નુકસાન થયું છે. લોકોમાં અફરાતફરી મચી ગઈ છે. ઝડપી પવનને લીધે ૧૫ બસ અને અનેક કારો પલટી ખાઈ ગઈ હતી. અમુક વિસ્તારોમાં કાટમાળનો ઢગલો લાગી ગયો છે. જાનહાનિને લીધે નેપાળની મોટાભાગની હોસ્પિટલો ભરાઈ ગઈ છે.