નેપાળના પર્યટન સ્થળ પોખરાથી ૨૪મી ફેબ્રુઆરીએ ઉડાન ભર્યા પછી તરત જ એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. વિમાનમાં યાત્રા કરી રહેલા બધા ૨૩ લોકો માર્યા ગયા છે. મૃતકોમાં બે બાળકો અને બે વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. વિદેશીઓમાં એક ચીન અને એક કુવૈતનો નાગરિક હતો.
તારા એરના ટ્વિન ઓટર વિમાને પોખરાથી જોમસોમ જવા માટે ૨૪મીએ સવારે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની થોડીક વારમાં જ કન્ટ્રોલ ટાવર સાથે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા પર્વત પર ભારે ધુમ્મસને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. નજરે જોનારાઓએ જણાવ્યું કે વિમાનમાં વિસ્ફોટ સાથે આગ લાગી ગઈ હતી.