કાઠમાંડુઃ નેપાળમાં ગયા સપ્તાહે આવેલા ભૂકંપમાં આશરે અઢી લાખ મકાનો કાં તો સંપૂર્ણ ધરાશયી થઇ ગયા છે અથવા તો તેમાં વસવાટ ન કરી શકાય એટલી હદે જોખમી બની ગયા છે. આ ભૂકંપથી મકાનો ઉપરાંત વીજળીના થાંભલા, વૃક્ષોનો પણ સોથ વળી ગયો છે. નેપાળમાં શનિવારે આવેલો ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ છેલ્લા આઠ દસકાનો સૌથી ભયાનક ભૂકંપ હતો.
પ્રાથમિક અભ્યાસ અનુસાર, ૧,૩૮,૧૮૨ મકાનો સંપૂર્ણ નાશ પામ્યા છે, જ્યારે ૧,૨૨,૬૯૪ મકાનોને એટલું નુકસાન થયું છે કે તે રહેવા માટે જોખમી બની ગયા છે. કુલ ૧૦,૩૯૪ સરકારી મકાનો પડી ગયા છે. જ્યારે ૧૩,૦૦૦ જેટલા સરકારી મકાનોને આંશિક ક્ષતિ પહોંચી છે, તેમ નેપાળ ગૃહ મંત્રાલયના સૂત્રોએ માહિતી આપી હતી. સરકારે જેમના પરિવારમાં વ્યક્તિ મૃત્યુ પામી હોય તેમને રૂ. એક લાખ જ્યારે ઘાયલ થયેલી વ્યક્તિના પરિવારને રૂ. ૨૫ હજાર સહાય આપવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત મકાનસહાય પેટે, જેમના મકાનને નુકસાન થયું હોય તેને રૂ. ૨૫ હજાર અને મૃત્યુ પામેલાની અંત્યેષ્ઠિ અને અન્ય વિધિ માટે રૂ. ૪૦ હજાર સહાયરૂપે આપવાનું નક્કી કર્યું છે.