નેપાળે શિંગડા ભરાવ્યાઃ કાલાપાની અમારો હિસ્સો, ભારત સૈનિકો ખસેડે

Wednesday 20th November 2019 05:07 EST
 
 

નવી દિલ્હી, કાઠમંડુઃ નેપાળે ૧૮ નવેમ્બરે એક નિવેદન જારી કરીને ભારતને જણાવ્યું છે કે કાલાપાની અમારો હિસ્સો છે અને ભારત તાત્કાલિક અહીંથી તેનું સૈન્ય હટાવી લે. કાલાપાની એ નેપાળ, ભારત અને તિબેટની વચ્ચેનું ટ્રાઇજંકશન છે. નેપાળમાં વધતા વિરોધ પ્રદર્શનની વચ્ચે વડા પ્રધાન કે. પી. ઓલીએ આ જણાવ્યું હતું કે કાલાપાની નેપાળનો ભાગ છે.
પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે નેપાળના વડા પ્રધાને ભારતના નવા સત્તાવાર નકશાથી ઉત્પન્ન થયેલા વિવાદ અંગે જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. ભારતે નવા નકશામાં કાલાપાનીને પોતાનો હિસ્સો દર્શાવ્યો છે. કાલાપાની નેપાળના પશ્ચિમી છેડા પર આવેલું છે.
વડા પ્રધાન કે. પી. ઓલીના નિવેદન અંગે ભારતે અત્યાર સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. જોકે ભારતે જણાવ્યું છે કે નેપાળ સાથે જોડાયેલી સરહદ પરના નકશામાં કોઇ ચેડાં કરવામાં આવ્યા નથી.
રવિવારે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના યૂથ વિંગ નેપાળ યુવા સંગમને સંબોધતા કે. પી. ઓલીએ જણાવ્યું હતું કે, અમે લોકો અમારી એક ઇંચ જમીન પણ કોઇના કબજામાં રહેવા નહીં દઇએ. ભારત અહીંથી તાત્કાલિક પોતાના સૈનિકો હટાવી લે.
જોકે નેપાળના વડા પ્રધાને એ સલાહને ફગાવી દીધી છે જેમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે નેપાળનો એક સુધારેલો નકશો જારી કરવો જોઇએ. ઓલીએ જણાવ્યું હતું કે ભારત અમારી જમીન પરથી સેના ખસેડી લેશે તો અમે આ અંગે તેની સાથે વાત કરીશું.
ઉલ્લેખનીય છે કે કાલાપાનીને ભારતના નકશામાં દેખાડવાના મુદ્દે નેપાળમાં એક સપ્તાહથી વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. આ અંગે સત્તાધારી પક્ષથી લઇને વિપક્ષ એક છે.
નેપાળના વિદેશ મંત્રાલયે છઠ્ઠી નવેમ્બરે એક નિવેદન જારી કર્યુ હતું અને જણાવ્યું હતું કે કાલાપાની નેપાળનો હિસ્સો છે. નેપાળના અિધકારીઓના જણાવ્યા અનુસાર ભારતે ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધ પછી પોતાની તમામ સરહદી ચોકીઓને નેપાળના ઉત્તરી પટ્ટામાંથી ખસેડી લીધી છે, પણ કાલાપાનીમાંથી ખસેડી નથી.

કાલાપાની વિવાદ શું છે?

કાલાપાની ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં ૩૫ વર્ગ કિલોમીટરની જમીન છે. અહીં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના જવાનો તૈનાત છે. ભારતીય રાજ્ય ઉત્તરાખંડથી નેપાળથી ૮૦.૫ કિલોમીટર સરહદ લાગે છે અને ચીન સાથે તેની ૩૪૪ કિલોમીટરની સરહદ જોડાયેલી છે.
કાલી નદીનું ઉદગમ સ્થાન કાલાપાની છે. ભારતે આ નદીને પણ નવા નકશામાં સામેલ કરી છે. ૧૮૧૬માં ઇસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળની વચ્ચે સુગૌલી સંધિ કરવામાં આવી હતી. તે સમયે કાલી નદીને પશ્ચિમી સરહદ પર ઇસ્ટ ઇન્ડિયા અને નેપાળની વચ્ચે રેખાંકિત કરવામાં આવી હતી.
૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું તો ભારતીય સેનાએ કાલાપાનીમાં ચોકી બનાવી હતી. નેપાળે દાવો કર્યો છે કે ૧૯૬૧માં એટલે કે ભારત-ચીન યુદ્ધથી પહેલા નેપાળે અહીં વસ્તી ગણતરી કરી હતી અને ભારતે તેની સામે કોઇ વાંધો ઉઠાવ્યો ન હતો. નેપાળના જણાવ્યા મુજબ કાલાપાનીમાં ભારતની હાજરી સુગોલી સંધિનો સ્પષ્ટ ભંગ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter