નેલ્સન મંડેલાનાં પુત્રી જિંજીનું મૃત્યુ

Friday 17th July 2020 06:09 EDT
 
 

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ગાંધીથી ઓળખાતા સ્વ. નેલ્સન મંડેલાનાં પુત્રી જિંજી (ઉં ૫૯)નું સોમવારે અવસાન થયું છે. જિંજી ડિસેમ્બર ૨૦૧૫થી ડેન્માર્કમાં દક્ષિણ આફ્રિકાના રાજદૂત હતા. તેઓ નેલસન મંડેલાનાં બીજા ક્રમનાં સંતાન હતાં. સાઉથ આફ્રિકા બ્રોડ કાસ્ટિંગ કોર્પોરેશનના અહેવાલ પ્રમાણે જિંજીનું જોહાનિસબર્ગની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. જિંજી ચાર બાળકોની માતા હતી તેના અવસાનથી દક્ષિણ આફ્રિકાના રાજકીય દિગ્ગજોએ શોકની લાગણી વ્યકત કરીને દેશભકત ગણાવી હતી.
૧૯૮૫માં શ્વેત અલ્પ સંખ્યક સરકારે જયારે નેલ્સન મંડેલાને જેલમાંથી છોડવા માટે શરત રાખી ત્યારે જિંજી પ્રથમવાર જાહેરમાં ચર્ચામાં આવ્યાં. દક્ષિણ આફ્રિકામાં એ સમયે રંગભેદ સામે અવાજ ઉઠવાની શરૂઆત થઇ હતી. જિંજીએ જાહેર બેઠકમાં આ અંગેના પ્રસ્તાવનો અસ્વીકાર કરીને પત્ર વાંચ્યો હતો. વિશ્વમાં રંગભેદ સામે ચાલતી લડતમાં નેલ્સન મંડેલા હીરો તરીકે ઉભર્યા હતા ત્યારે જિંજી પણ તેમાં સક્રિય ભાગ લેતી હતી. જો કે જિંજીને રંગભેદ વિરોધી સ્વતંત્રતા સંગ્રામના હીરોની દીકરી તરીકે જ નહીં, પરંતુ પોતાના અધિકારો માટે લડનારી એક સ્વતંત્ર આંદોલનકારી તરીકે પણ યાદ કરાશે. તેઓએ જીવનના અંત સુધી પોતાના દેશની સેવા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter