જ્હોનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ નેલ્શન મંડેલાના પૂર્વ પત્ની વિન્ની મંડેલાનું ૮૧ વર્ષની વયે નિધન થયું હતું. વિન્ની મંડેલા રંગભેદની લડાઈમાં સક્રિય રહ્યા હતા. તે આંદોલનમાં અગ્રણી મહિલા નેતા તરીકે ઉભર્યાં હતાં. આ દંપતીની બંને મુઠ્ઠી વાળેલા જમણા હાથને હવામાં ઊંચો કરતી પોતાની જીત દર્શાવતી તસવીર વિશ્વવિખ્યાત બની હતી. મંડેલા દંપતીની આ તસવીર રંગભેદની લડાઈનું પ્રતીક બની હતી. મંડેલા ૨૭ વર્ષના જેલવાસ પછી બહાર નીકળ્યા ત્યારે મંડેલા અને વિન્નીએ સમર્થકો સમક્ષ જમણો હાથ ઊંચો કરીને વિજયી સ્મિત કર્યું હતું. ૧૯૩૬માં જન્મેલા વિન્ની મંડેલા ટીનેજમાં જ ૧૯૫૦ના દશકામાં નેલ્સન મંડેલાને મળ્યા હતા અને તેમના વિચારોથી પ્રભાવિત થયા હતા. તે વખતે મંડેલાના ઇવલિન મેસ સાથે લગ્ન થઈ ચૂક્યા હતા. ૧૯૫૮માં મંડેલાએ વિન્ની સાથે લગ્ન કર્યાં હતાં. તેમનું લગ્નજીવન ૩૮ વર્ષ લાંબું ચાલ્યું હતું. ૧૯૯૮માં બંને અલગ થયાં હતાં.