ન્યૂ યોર્ક, જોહાનિસબર્ગઃ રંગભેદવિરોધી નેતા અને સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રેસિડેન્ટ નેલ્સન મન્ડેલાની અંગત ચીજવસ્તુઓની હરાજી હાલ કોર્ટના હુકમથી અટકાવી દેવાઈ છે. મન્ડેલાના સન ગ્લાસીસ અને પૂર્વ અમેરિકી પ્રેસિડેન્ટ્સ તરફથી મળેલી ભેટો સહિતની 100 જેટલી વસ્તુઓની ઓનલાઈન લીલામી 24 ફેબ્રુઆરીએ મન્ડેલાની મોટી દીકરી ડો. માકાઝિવે મન્ડેલાના સહયોગમાં ન્યૂ યોર્કસ્થિત ગ્યુએર્નસી ઓક્શન હાઉસ દ્વારા થવાની હતી.
સાઉથ આફ્રિકા સરકારનો ટેકા સાથે સાઉથ આફ્રિકન હેરિટેજ રીસોર્સીસ એજન્સી (SAHRA)એ તેનો વિરોધ કર્યો હતો. અગાઉ, પ્રીટોરીઆ હાઈ કોર્ટે ડિસેમ્બર 2023માં હરાજીને ચાલુ રાખવા પરવાનગી આપી હતી પરંતુ, તેની સામે અપીલ થયા પછી હાલ તેને મુલતવી રાખવી પડી છે.
ઓનલાઈન લીલામીમાં મન્ડેલા 1990માં જેલમુક્ત કરાયા ત્યારે તેમની ઓળખનો દસ્તાવેજ ‘ધ બૂક’, રે-બાન સનગ્લાસીસ, ‘માડિબા’ શર્ટ્સ, હીઅરિંગ એઈડ્સ, જેલવાસ દરમિયાન દરેલાં ચિત્રો, જેલમાંથી લખેલા અંગત પત્રો તેમજ પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ દ્વારા ભેટ અપાયેલો બ્લેન્કેટ, પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને આપેલી ભેટ શેમ્પેઈન કૂલર સહિતનો સમાવેશ કરાયો હતો. આ લીલામી થકી મળનારી રકમનો ઉપયોગ મન્ડેલાને દફન કરાયા હતા તે કુનુ ગામમાં મન્ડેલા સ્મારક ઉદ્યાનના નિર્માણમાં કરાનાર હતો.
સાઉથ આફ્રિકન હેરિટેજ રીસોર્સીસ એજન્સીએ દલીલ કરી હતી કે હરાજી થનારી આઈટમ્સ રાષ્ટ્રીય ધરોહરની વસ્તુઓ છે જેને તેમની દીકરીની અંગત માલિકીની વસ્તુ તરીકે વેચી શકાય નહિ.