સ્ટોકહોમ: સ્વીડનની રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે આ વર્ષના અર્થશાસ્ત્રના નોબેલ પ્રાઈઝ માટે જે ત્રણ નામની જાહેરાત કરી છે તેમાં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માઈકલ ક્રેમરનો પણ સમાવેશ થાય છે. તેમણે આ જાહેરાત અંગે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે મને જ્યારે સ્કાઈપ મેસેજીંગ પર નોબેલ એવોર્ડ અંગે સંદેશ મળ્યો ત્યારે વિશ્વાસ ન હતો. મને લાગ્યું કે કોઈ મિત્ર મારી સાથે મજાક કરી રહ્યો છે. બાદમાં તે વ્યક્તિએ મારી સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી અને વધારે માહિતી આપી ત્યારે મને નોબેલ મળ્યો હોવાની ખાતરી થઇ હતી.
હાર્વર્ડમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર ક્રેમર (૫૪)ને અભિજીત અને એસ્થર સાથે વૈશ્વિક ગરીબી ઘટાડવા કરવામાં આવતા પ્રયત્નો માટે અર્થશાસ્ત્રનું નોબેલ જાહેર થયું છે. આ ત્રણેય અર્થશાસ્ત્રીએ ગરીબી સામે લડવાની શ્રેષ્ઠ પદ્ધતિ અંગે વિશ્વાસપાત્ર જવાબ મેળવવા નવી પદ્ધતિ રજૂ કરી છે. તેમણે પુરવાર કર્યું કે અસરગ્રસ્ત લોકો પાસેથી નાના અને ચોક્કસ પ્રશ્નો વડે વધારે સારા જવાબ મળે છે.
નોબેલ પ્રાઈઝ મેળવવા અંગે ક્રેમરે કહ્યું હતું કે મેં આટલા વર્ષોમાં વિશ્વ અર્થતંત્રને બદલાતું જોયું છે. આ સમયગાળા દરમિયાન મેં જોયું છે કે રિસર્ચર હવે પાયાના સ્તરે વધુને વધુ લોકો સાથે જોડાવા લાગ્યા છે. ક્રેમરે જણાવ્યું હતું કે રિસર્ચર્સ સમયની સાથે શીખી રહ્યા છે કે શું કામ કરવામાં આવશે અને કઈ બાબત યોગ્ય નથી. સરકારો પણ સમસ્યાના ઉકેલ માટે અસરકારક રીતે કામ કરી રહી છે.