લંડનઃ નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ નજીક દક્ષિણે આવેલા નોર્વેજિયન દ્વીપસમૂહ સ્વાલબાર્ડ (Svalbard)માં છ વર્ષથી રહેતી ૩૧ વર્ષીય સ્વીડિશ મહિલા સેસિલીઆ બ્લોમડાહલે ઉત્તર ધ્રુવના ૨૦૨૧ના વર્ષના આખરી સૂર્યાસ્તને નિહાળવા સાથે શિયાળાના સતત અંધકારની તૈયારી કરવાનું વર્ણન કર્યું છે. સોશિયલ મીડિયા સ્ટાર સેસિલીઆએ લખ્યું છે કે, ‘આપણે હવે છેક માર્ચ મહિનામાં સૂર્યને નિહાળી શકીશું.’
પૃથ્વીની ઉત્તરે આવેલાં સેસિલીઆના રહેઠાણના વિસ્તારમાં ઓક્ટોબરના ઉત્તરાર્ધથી માર્ચ મહિનાના આરંભ સુધી સતત અંધારું જ રહે છે જે પરિસ્થિતિ ‘પોલાર નાઈટ’ તરીકે ઓળખાય છે. યુટ્યૂબ પર મૂકાયેલા તેના તાજા વીડિયોમાં તેને બોટને જમીન પર લગાવીને આકરા શિયાળા માટે માલસામાનની હેરફેર કરતી સેસિલીઆ અને તેનો બોયફ્રેન્ડ જોવા મળે છે. આ વીડિયો અપલોડ કરવાના આગલા દિવસે સેસિલીઆએ ઉત્તર ધ્રુવના ૨૦૨૧ના વર્ષના આખરી સૂર્યાસ્તની તસવીરો ટિકટોક પર મૂકી હતી. સેસિલીઆ ટિકટોક પર ૧.૩ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.
તે વધુમાં કહે છે, ‘આ તો સત્તાવાર છે! આ વર્ષનો આખરી સૂર્યાસ્ત છે. આજે રાત્રે ૧૨.૨૬ વાગ્યે સૂર્યોદય થયો હતો અને ૧૨.૫૪ વાગ્યે સૂર્યાસ્ત થયો છે. આથી, પોલાર નાઈટ સત્તાવાર શરૂ થઈ ગઈ છે. હવે છેક માર્ચ મહિનામાં સૂર્યના દર્શન થશે. નવેમ્બરની મધ્યમાં તો આખો દિવસ અને આખી રાત ઘોર અંધારું જ રહેશે.’ હવે સેસિલીઆ પોલાર નાઈટના ઘેરા અંધકારમાં ‘ઓરોર–બોરિએલિસ (aurora borealis)’ એટલે કે ધ્રુવીય પ્રકાશની સુંદરતા માણવા સજ્જ છે. ધ્રુવ પ્રદેશમાં સૌર પવનો પૃથ્વીના ચૂંબકીય ક્ષેત્રને પસાર કરી નજીક આવીને વાતાવરણના રજકણોને સ્પર્શે છે ત્યારે તેમાંથી ઊર્જા ફેંકાય છે જેના પરિણામે, વિશિષ્ટ રંગી પ્રકાશ ફેલાય છે.
સેસિલીઆ પોતાની યુટ્યૂબ ચેનલના વીડિયોમાં કહે છે કે, ‘પોલાર નાઈટના આગમન સુધી હવે આપણી પાસે જૂજ દિવસ રહ્યા છે અને તે વિચિત્ર લાગશે પરંતુ, સાચું છે.’ બહાર ૧૦ ડીગ્રી ફેરનહીટ (માઇનસ ૧૨.૨૨ સેન્ટિગ્રેડ)ની તીવ્ર ઠંડી હોવાં છતાં તે દિવસને અતિ સુંદર ગણાવે છે.
સેસિલીઆ તેના બોયફ્રેન્ડ તેમજ ગ્રિમ નામના કૂતરા સાથે કેબિનમાં રહે છે. શિયાળાની વાત અલગ છે પરંતુ, યુગલે ઉનાળામાં પોતાની બોટમાંથી નયનરમ્ય દૃશ્યો નિહાળ્યા છે. તેમણે ત્યજી દેવાયેલા સોવિયેટ ભૂતિયા ખાણનગર પાયરામિડેન (Pyramiden)ની પણ મુલાકાત લીધી હતી. સેસિલીઆ અને તેના બોયફ્રેન્ડે વિશાળ ગ્લેસિયર્સની પડખે બોટ લાંગરવા ઉપરાંત, આર્ક્ટિક ઓશનના ૩૬ ડીગ્રી ફેરનહીટ (૨.૨૨ સેન્ટિગ્રેડ) ઠંડા પાણીમાં ડૂબકીઓ પણ લગાવી હતી.