લોન્ગિયરબાનઃ નોર્વેનું લોન્ગિયરબાન એક એવું નગર છે જ્યાં લોકોના મરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ તે વળી કેવો પ્રતિબંધ છે? પરંતુ આ પ્રતિબંધ પાછળ પણ એક મોટું કારણ છે. લોન્ગિયરબાનમાં મૃત્યુ પર પ્રતિબંધનું કારણ કંઈ બીજું નહીં, પરંતુ અહીંનું કાતિલ ઠંડુ વાતાવરણ. વળી, આ શહેરમાં લગભગ ૨૦૦૦ લોકો રહે છે અને અહીં માત્ર એક જ કબ્રસ્તાન છે, જેમાં પણ મૃતદેહોને દફનાવવાની ના પાડી દેવાઇ છે. શહેરમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ અતિશય બીમાર થઇ જાય છે અને તેના બચવાની આશા ઘટી જાય છે ત્યારે તેને બીજા સ્થળે લઈ જવામાં આવે છે. જેથી તે આ શહેરમાં મૃત્યુ પામે નહીં અને બીજા શહેરમાં મૃત શરીરને દફનાવી શકાય. આ પ્રદેશમાં એટલી વધારે ઠંડી પડે છે કે દફનાવવામાં આવેલો મૃતદેહ મહિનાઓ વીતી જવા છતાં માટીમાં ભળી જતો નથી. ૧૯૫૦ના વર્ષમાં લોકોને જાણ થઇ કે અહીં જે મૃતદેહો સીતેર વર્ષ પૂર્વે દફનાવવામાં આવ્યાં હતાં તે બધા એ જ સ્થિતિમાં પડેલાં છે. બસ ત્યારથી સ્થાનિક સત્તાવાળાઓએ ગામના કબ્રસ્તાનમાં મૃતદેહોને દફનાવવા પર પ્રતિબંધ લાદી દીધો છે. અને જો ગામના એકમાત્ર કબ્રસ્તાનમાં મૃતદેહોને દફનાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હોય તો પછી મૃત્યુ પર પણ લાદવો જ પડેને!