ફ્રાન્સના ૮૫૦ વર્ષ જૂના નોસ્ત્રાદેમસ કેથેડ્રલમાં ૧૫મીએ ભીષણ આગ લાગી હતી. રિનોવેશનના પગલે ઇમારતમાં આગથી ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે મીડિયાના અહેવાલો અનુસાર કેથેડ્રલમાં આવેલી અમૂલ્ય રચનાઓ અને અમૂલ્ય ધાર્મિક પ્રતીકોને આગમાંથી બચાવી લેવામાં આવ્યાં છે.
રિનોવેશનનું કામ
સદીઓ પુરાણા આ ચર્ચમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું જેને પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની શક્યતા છે. હાલમાં સમગ્ર મામલે તપાસ જારી છે અને આગ કાબૂમાં લેવાઇ રહી હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. કેથેડ્રલ જૂનું હોવાના કારણે ગયા વર્ષે તેના રિનોવેશનનો નિર્ણય લેવાયો હતો. ગિરિજાઘર બચાવવા રિનોવેશન માટે ફંડ એકઠું કરવાની કામગીરી કેથોલિક ચર્ચે શરૂ કરી દીધી હતી. એ પછી રિનોવેશનનું કામ પણ શરૂ થઇ ગયું હતું, જોકે અચાનક આગ લાગતા સમગ્ર ઇમારતમાં તે ફેલાઇ ગઇ હતી અને આકાશમાં ઊંચે સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા.
ચોક્કસ કારણની તપાસ
આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પણ એવા અહેવાલો છે કે રિનોવેશન માટે જે મટિરિયલ વાપરવામાં આવી રહ્યું હતું તેને કારણે જ આગ વધુ ફેલાઇ હતી. આ ઇમારત ૮૫૦ વર્ષથી પણ જૂની છે અને તેની ઉંચાઇ ૨૪ ફૂટ છે. જેને પગલે આખી ઇમારતમાં આગ ફેલાઇ નહીં તેથી ઇમર્જન્સીના ભાગરૂપે મોટું ઓપરેશન જારી કરાયું હતું. વર્ષો જૂની આ ઇમારતનું ધાર્મિક અને સ્થાપત્યની દૃષ્ટીએ પણ ઘણુ મહત્ત્વ છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
છતને નુક્સાન
સોમવારે લાગેલી ભીષણ આગમાં ચર્ચની છતને ભારે નુકસાન થયું હતું. જોકે ફાયરબ્રિગેડના જવાનો ચર્ચના ઘંટના બે ટાવર અને પથ્થરના માળખાને બચાવવામાં સફળ રહ્યાં હતાં. સોમવારે સાંજે ફાટી નીકળેલી આગ ઝડપથી ચર્ચની આખી છતમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે ચર્ચનો મુખ્ય મિનારો ધરાશાયી થયો હતો. ત્યાર બાદ સમગ્ર છતમાં સ્વાહા થઈ ગઈ હતી. આગની જાણ થતા જ ધસી આવેલા ફાયરબ્રિગેડના લશ્કરાઓે મુખ્ય બેલ ટાવરોને બચાવવા ભારે જહેમત કરી હતી. તેમણે નોસ્ત્રાદેમસની અમૂલ્ય રચનાઓ અને ધાર્મિક પ્રતીકોને પણ બચાવી લીધાં હતા. આ આગમાં ફાયરબ્રિગેડના એક લશ્કરને ગંભીર ઈજા પહોંચી હતી.
ફાયર બ્રિગેડના વડા જિન ગેલેટે જણાવ્યું હતું કે, ચર્ચના મુખ્ય હિસ્સાને આગથી ભસ્મ થતો બચાવી લેવામાં આવ્યો હતો. ઘણી મૂલ્યવાન વસ્તુઓને ફાયરબ્રિગેડે જીવના જોખમે બચાવી લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેથેડ્રલમાં લાગેલી આગને કારણે લોકો આઘાતમાં છે. આ કેથેડ્રલ પેરિસની મધ્યમાંથી વહેતી સીન નદીમાં આવેલી આઇલ દ લા સાઇટ ટાપુ પર આવેલું છે.
નોસ્ત્રાદેમસ કેથેડ્રલઃ ફ્રાન્સનો આત્મા
૧. ૮૦૦ વર્ષ જૂનું નોસ્ત્રાદેમસ કેથેડ્રલ ફ્રાન્સનો આત્મા ગણાય છે.
૨. ઇ. સ. ૧૧૬૩માં કેથેડ્રલનું નિર્માણ શરૂ થયું હતું. ૨૦૦ વર્ષના નિર્માણકાર્ય બાદ ઈ. સ. ૧૩૪૫માં ચર્ચ પૂરું બંધાઈ રહ્યું હતું.
૩. ફ્રાન્સના સમ્રાટ નેપોલિયને પોતાને ફ્રાન્સનો સમ્રાટ જાહેર કર્યો તે નોસ્ત્રાદેમમાં આ ચર્ચ આવેલું છે.
૪. બીજા વિશ્વયુદ્ધમાં જર્મન શાસનમાંથી મુક્તિ મળી તે ૨૪ ઓગસ્ટ ૧૯૪૪ના રોજ આ ચર્ચમાં જોરદાર ઘંટારવ કરી પેરિસની આઝાદીની જાહેરાત કરાઈ હતી.
૫. ૨૬ વર્ષ બાદ ફ્રાન્સને બીજા વિશ્વયુદ્ધમાં દોરવણી આપનાર ચાર્લ્સ દ ગોલની અંતિમ વિધિ આ ચર્ચમાં કરાઈ હતી.
૬. ઇશુ ખ્રિસ્તને વધસ્થભ પર ચડાવતી વખતે પહેરાયેલો કાંટાનો તાજ આ ચર્ચમાં હોવાનું માનવામાં આવે છે.