વોશિંગ્ટનઃ ન્યૂ મેક્સિકોમાં આવેલા વ્હાઈટ સેન્ડ નેશનલ પાર્કમાં આવેલા એક સૂકાઈ ગયેલા સરોવરના તળિયેથી સદીઓ પુરાણી માનવપગલાંની અશ્મિભૂત છાપ મળી આવી છે. આ પૌરાણિક અવશેષ દર્શાવે છે કે નોર્થ અમેરિકામાં ૨૩,૦૦૦ વર્ષ પૂર્વે માનવે ડગલાં માંડ્યા હશે. ૨૦૦૯માં પહેલી વાર પાર્કના મેનેજરની નજર આ છાપ પર પડી હતી, અને આ પછી તેના પર સંશોધન હાથ ધરાયું હતું.
યુએસ જિઓલોજિકલ સર્વેના વિજ્ઞાનીઓએ આ પગલાંની છાપમાં અટકેલા બીજનું તાજેતરમાં વિશ્લેષણ કરીને તેની અંદાજિત વય ૨૧,૧૩૦થી ૨૨,૮૦૦ વર્ષ હોવાનું જણાવ્યું હતું. બહુમતી વિજ્ઞાનીઓ માને છે કે પ્રાચીન માનવ નિર્વાસન એશિયાથી અલાસ્કાને જોડતાં પુલ દ્વારા થયું હશે, જે હવે રહ્યો નથી. પથ્થરના સાધનો, અસ્થિના અશ્મી અને જિનેટિક વિશ્લેષણને આધારે અન્ય સંશોધકો અમેરિકામાં માનવના પ્રથમ આગમનનો સમયગાળો ૧૩થી ૨૬ હજાર વર્ષની રેન્જમાં હોવાનું ગણાવે છે.
જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું હતું કે અન્ય પુરાવાની સરખામણીએ અશ્મિભૂત પગલાંની છાપ એ સીધો પુરાવો છે. તેમાં સ્થળ અને સમયનો પાક્કો પુરાવો મળે છે. આમ આ ચિહ્નનું ઐતિહાસિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આગવું મહત્ત્વ છે.