શાંઘાઈ: ત્રાસવાદી મસૂદ અઝહરના કેસમાં ભારત સાથે ઉભું રહેલું ચીન હવે પરમાણુ સપ્લાય સમૂહ (એનએસજી)માં ભારતના પ્રવેશ મુદ્દે સહમત નથી. ચીને ૨૧મીએ જણાવ્યું હતું કે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ના કર્યા હોય તેવા દેશોના સભ્યપદ માટે વિશેષ યોજના બન્યા પહેલાં ભારતને આ જૂથ સામેલ કરવાને મુદ્દે ચર્ચા નહીં થાય. ચીને આ મુદ્દે સભ્યદેશો વચ્ચે સંમતિ સધાતા કેટલો સમય લાગશે તેની સમયમર્યાદા આપવા પણ ઇનકાર કર્યો છે. કઝાકિસ્તાનમાં ૨૦ અને ૨૧ જૂનના રોજ એનએસજીની બેઠક મળી હતી.
ભારતે મે ૨૦૧૬માં એનએસજી સભ્યપદ માટે અરજી કરી ત્યારથી જ ચીન ભારતને સભ્યપદ ના મળે તે માટે જીદ લઈને બેઠું છે. ચીનનું કહેવું છે કે પરમાણુ બિનપ્રસાર સંધિ (એનપીટી) પર હસ્તાક્ષર કરી ચૂકેલા દેશોને જ ગ્રુપમાં સામેલ કરવામાં આવે.
પાકિસ્તાનની પણ અરજી
એનએસજી તે ૪૮ દેશોનું સંગઠન છે. આ જૂથ પરમાણુ વેપારના વૈશ્વિક વેપારનું નિયંત્રણ કરે છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન એમ બંનેએ એનપીટી પર હસ્તાક્ષર નથી કર્યાં. ભારતે આ જૂથના સભ્યપદ માટે અરજી કર્યા પછી પાકિસ્તાને પણ ૨૦૧૬માં એનએસજી સભ્યપદ માટે અરજી કરી હતી.