ઓકલેન્ડઃ ન્યૂ ઝીલેન્ડમાં છ વર્ષની એક ગુજરાતી બાળકીએ પિતાના સ્ટોરમાં કુહાડી સાથે ઘૂસી આવેલા એક લૂંટારાને હંફાવતા તેની બહાદુરીની ચોમેર પ્રશંસા થઇ રહી છે. સીસીટીવી ફૂટેજમાં સારાહ પટેલ નામની આ બાળકી સ્ટોરમાં ત્રાટકેલા લૂંટારા સામે હિંમતપૂર્વક લડતી જોવા મળે છે. લૂંટારાઓ સ્ટોરના માલિકને કુહાડી સાથે ધમકાવી રહ્યાં હતાં ત્યારે આ બાળા એક હુમલાખોર સામે દોડી ગઈ હતી અને તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો. નાસી છૂટેલા લૂંટારાઓને પોલીસે પીછો કરીને પકડી લીધા હતા. સારાહના પિતા સુહેલ પટેલ ઓકલેન્ડમાં ઈલેક્ટ્રિકલ ચીજોનો સ્ટોર ધરાવે છે. આ સ્ટોરમાં છ હથિયારધારી લૂંટારા ધસી આવ્યા હતા અને સ્ટોરમાં હાજર લોકોને ડરાવી ધમકાવીને ડોલર સહિત અન્ય કિંમતી ચીજોની લૂંટ ચલાવી રહ્યાં હતા. આ સમયે એક લૂંટારાએ દુકાનના એક માણસ પર કુહાડીથી હુમલો કરવાની કોશિશ કરી ત્યારે નાનકડી સારાહ પટેલને લાગ્યું કે હુમલાખોર તેના પિતા પર હુમલો કરવા જઈ રહ્યો છે. તે કંઈ વિચાર્યા વિના લૂંટારા તરફ દોડી ગઈ અને તેનો પગ જકડી લીધો હતો.
લૂંટારાના હાથમાં ધારદાર કુહાડી હતી પણ તેનો સારાહને ડર લાગ્યો નહોતો. આ તમામ દૃશ્યો સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા હતા. લૂંટારાઓએ સ્ટોરમાં ભારે તોડફોડ કરી હતી અને લૂંટ ચલાવી હતી.