નવી દિલ્હીઃ ભારતીય પ્રમોદ ચૌહાણ વર્ષોથી ન્યૂ ઝીલેન્ડમાં રહે છે. ત્યાં એક પાલતુ કૂતરો લાઇકન છેલ્લા ૧૦ વર્ષથી તેમના પરિવારનો સભ્ય હતો. લાઈકનનું મોત થતાં પ્રમોદભાઈ અને તેમના પરિવારજનોને ખૂબ આઘાત લાગ્યો હતો. પ્રમોદભાઈએ તાજેતરમાં હિંદુ વિધિથી જ લાઈકનના અંતિમ સંસ્કાર કર્યાં હતાં અને તાજેતરમાં ભારતમાં લાઈકનના અસ્થિનું વિસર્જન કર્યું હતું. તેઓ લાઈકનના અસ્થિ લઈને ભારત આવ્યા હતા અને પવિત્ર ગંગા નદીમાં તેને પ્રવાહિત કર્યાં હતાં. માત્ર એટલું જ નહીં પણ લાઇકનને મોક્ષ મળે તે માટે તેનું પિંડદાન અને શ્રાદ્વવિધિ પણ કર્યાં હતાં. પ્રમોદભાઈ તમામ પરિજનો સાથે મળીને ભંડારો પણ કરશે.