ન્યૂ યોર્કમાં ટ્રક ચલાવી આઠ જણાના હત્યારા આતંકીની હોસ્પિટલ રૂમમાં આઈએસનો ધ્વજ લહેરાવવાની માગ
ન્યૂ યોર્કઃ ન્યૂ યોર્કમાં બેફામ ટ્રક હંકારીને આઠ લોકોની હત્યા અને અનેકને ઈજાગ્રસ્ત કરનારા સૈફુલ્લા સાઇપોવ પર અમેરિકન પોલીસે આતંકવાદના આરોપો લગાવ્યા છે. ૨૯ વર્ષીય સૈફુલ્લાએ એક મહિના પહેલાં હેલોવિન પરેડમાં આતંક ફેલાવવાનું આયોજન કર્યું હતું. જે માટે ઈસ્લામિક સ્ટેટે તેને પીઠબળ આપ્યું હતું. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ન્યૂ યોર્ક આતંકી હુમલાના આરોપીને મૃત્યુદંડ આપવાની ભલામણ કરી છે. એફબીઆઈની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સૈફુલ્લાએ હોસ્પિટલ રૂમમાં પણ ઈસ્લામિક સ્ટેટનો ધ્વજ લહેરાય એવી માગ કરી છે. એટલું જ નહીં, આ ઘટનાને અંજામ આપવા બદલ પણ તેને કોઈ પસ્તાવો નથી. અલબત્ત, તેને આ કૃત્ય કરવાનું ગૌરવ છે. ન્યૂ યોર્ક પોલીસે સૈફુલ્લાને વ્હિલચેરમાં બેસાડીને કોર્ટમાં હાજર કર્યો હતો. જોકે, તેણે બચાવ માટે અરજી કરવાની પણ ના પાડી છે. સૈફુલ્લાએ કહ્યું હતું કે, ઇસ્લામિક સ્ટેટના વીડિયો જોઈને મને જેહાદની પ્રેરણા મળી હતી. મેં અબુ બક્ર અલ બગદાદીના વીડિયોમાં સાંભળ્યું હતું કે, અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોમાં રહેતા મુસ્લિમોએ ઈરાકમાં મરી રહેલા મુસ્લિમોનો બદલો લેવો જોઈએ. હું વધુને વધુ લોકોને મારવા ઈચ્છતો હતો એટલે જ મેં હેલોવિન પરેડ વખતે હુમલો કર્યો હતો. આ માટે જ મેં ફૂટપાથ અને સાયકલ માર્ગ પર બેફામ ટ્રક હંકારી હતી.