ન્યૂ યોર્કઃ અમેરિકામાં હિન્દુ સમુદાયે શાળાઓની રજામાં દિવાળીનો સમાવેશ ન થવાથી શહેરનાં વહીવટીતંત્ર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. તેમણે મેયર સામે આક્ષેપ કર્યો છે કે તેઓ સમાનતામાં માનતા નથી. ન્યૂ યોર્ક સિટીના મેયર બિલ કેબ્લાસીઓએ જાહેર કર્યું હતું કે શાળાઓમાં બે ઈદની રજા રહેશે. તેમણે ઇસ્લામને મહાન ધર્મ ગણાવ્યો હતો. હિન્દુ નેતાઓએ જણાવ્યું હતું કે ઈદની રજા સામે વાંધો નથી પણ દિવાળીને બાકાત રાખી હોવા સામે વાંધો છે. અનેક હિન્દુ સંઘો, સંસ્થાઓએ મેયરના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. હજારો હિન્દુઓ, જૈન અને શીખો દિવાળી ઊજવે છે ત્યારે આવો નિર્ણય યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ કેટલીક શૈક્ષણિક સંસ્થામાં ઇદની રજા નથી હોતી.
• કંબોડિયામાં મોરારિબાપુની રામકથાઃ ૧૧મી સદીમાં નિર્માણ થયેલા વિશ્વના આઠમી અજાયબી સમાન અને વિશ્વનું મોટામાં મોટું વિષ્ણુ મંદિર જે ભૂમિ પર છે તે કંબોડિયા રાષ્ટ્રના અંકોરવાટ શહેરમાં પૂ. મોરારિબાપુની રામકથા ‘માનસ વિષ્ણુ ભગવાન’નો ગત સપ્તાહે પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે કંબોડિયા રાષ્ટ્રના નાયબ વડા પ્રધાન ડો. સુકેન, સ્થાનિક ગવર્નર તથા ભારતીય રાજદૂત પટ્ટનાયકજી વગેરેના વરદહસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું. ડો. સુકેને સૌ ભારતીયોનું સ્વાગત કર્યું હતું.
• ભારતીય વિદ્યાર્થીને ઈન્ટર્નશિપ આપવાનો ઈનકારઃ દિલ્હીના નિર્ભયા રેપકાંડ પર બનેલી ‘ઈન્ડિયાઝ ડોટર’ નામની દસ્તાવેજી ફિલ્મની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે દેખાવા લાગી છે. વિશ્વમાં લોકો ભારતની ગણતરી બળાત્કારીઓના દેશ તરીકે કરે છે. જર્મનીની લાઈત્સિષ યુનિવર્સિટીના એક પ્રોફેસરે ભારતની ખરડાયેલી છબીના કારણે એક ભારતીય વિદ્યાર્થીને ઈન્ટર્નશિપ આપવાનો ઈનકાર કર્યો છે. તેના કારણે વિવાદ સર્જાતાં ભારત ખાતેના જર્મન રાજદૂત મિખાઈલ શ્ટાઈનરે પ્રોફેસરને આકરો પત્ર લખ્યો છે. તેમણે પ્રોફેસર એનેટે બેક-શિકિન્જરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ભારત બળાત્કારીઓનો દેશ નથી.
• અમેરિકન સંસદમાં ગીતા પાઠ સામે સેનેટરનો વિરોધઃ એક તરફ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતને ધાર્મિક સહિષ્ણુતાનો પાઠ ભણાવી રહ્યા છે તો બીજી તરફ તેમના જ એક રાજ્ય માં હિન્દુઓના પવિત્ર ગ્રંથ ગીતાના પાઠ મુદ્દે વિવાદ થયો છે. આ વિવાદ કરનાર એક સેનેટર છે. રિપબ્લિકન સેનેટરે કહ્યું છે કે સ્ટેટ સેનેટમાં હિન્દુપૂજા થશે તો તેઓ તેનો બહિષ્કાર કરશે. આર-ડોલ્ટન ગાર્ડન્સના સેનેટર સ્ટીવ વિકે જણાવ્યું હતું કે ફર્સ્ટ એમેન્ડમેન્ટ બિન-ખ્રિસ્તીઓને પૂજાની મંજૂરી આપે છે, પણ તેમનું માનવું છે કે હિન્દુપૂજાને મંજૂરી ના મળવી જોઈએ.
• કરાચીમાં હોળીની ઉજવણીમાં મુસ્લિમોનું સમર્થનઃ પાકિસ્તાનના કરાચીમાં સ્વામીનારાયણ મંદિરમાં ગત સપ્તાહે હોળી મહોત્સવમાં હિન્દુઓની રક્ષા કરવા અને એકતા દેખાડવા માટે મુસ્લીમો દ્વારા ખાસ રક્ષા દળની રચના કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓની રક્ષા કરવા માટે આ દળની રચના કરવામાં આવી છે. પાકિસ્તાનના અખબાર ‘ડોન’ના અહેવાલ મુજબ નેશનલ સ્ટૂડન્ટ ફેડરેશન(એનએસએફ)એ રક્ષા દળની રચનાનું આયોજન કર્યું હતું. આ દળનો મુખ્યત્વે હેતુ પાકિસ્તાનમાં વિવિધ ધાર્મિક અને જાતીના લોકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.