ન્યૂ યોર્કઃ તમે ૧૬.૮ કરોડ ડોલર ખર્ચવા તૈયાર હો તો ન્યૂ યોર્કમાં મેનહટ્ટન ખાતે આવેલા ૮૫ માળના સ્કાયસ્ક્રેપરમાં ટોપ ફ્લોર પર આવેલા છ બેડરૂમના આ વૈભવી એપાર્ટમેન્ટના માલિક બની શકો છો. છેલ્લા પાંચ વર્ષમાં પહેલી વખત આ સ્કાયસ્ક્રેપરનું કોઈ વૈભવી એપાર્ટમેન્ટ વેચાણ માટે મૂકાયું છે. ૮૦૦૦ ચોરસ ફૂટથી પણ વધુ જગ્યામાં ફેલાયેલા આ પેન્ટહાઉસમાંથી સમગ્ર ન્યૂ યોર્કનો શાનદાર નજારો દેખાય છે. ખરીદનારને પેન્ટહાઉસ સાથે લુઈ વુટન, હર્મીઝ અને બેન્ટલીની શાનદાર એક્સેસરીઝ પણ મળશે. કોઇને પણ સવાલ થાય કે આવા લક્ઝ્યુરિયસ પેન્ટહાઉસને વેચનાર કોણ હશે. તો જાણી લો કે આને વેચનાર છે રિયલ એસ્ટેટ મેગ્નેટ ફવાઝ અલ હોકૈર. તેમણે ૨૦૧૬માં ૮.૮ કરોડ ડોલરમાં આ પ્રોપર્ટી ખરીદી હતી. હવે જો અલ હોકૈર આ પેન્ટહાઉસ માટે પોતે ચૂકવેલી રકમ કરતાં બમણી રકમ મેળવવામાં સફળ થશે તો આ અમેરિકામાં વેચાયેલી સૌથી મોંઘી પ્રોપર્ટીઝમાંની એક હશે. ૪૩૨ - પાર્ક એવન્યુમાં આવેલું આ પેન્ટહાઉસ સેન્ટ્રલ પાર્કનો પેનોરેમિક વ્યૂ દર્શાવે છે. આ બિલ્ડિંગને રાફેલ વિનોલી દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું. અને મેકલોવ પ્રોપર્ટીઝે અને સીઆઈએમ ગ્રુપે તેને વિક્સાવ્યું હતું. ન્યુયોર્કની આકાશી સીમારેખાને આંબતા આ પ્રકારનું સ્કાયસ્ક્રેપર બનાવવા બદલ તેમની ટીકા પણ થઈ હતી. આ પેન્ટહાઉસમાં ઘણી બધી એક્સેસરીઝ છે. તેમાં વૂડ બર્નિંગ ફાયરપ્લેસ છે. ૧૬.૯ કરોડ ડોલરમાં વેચવા માટે મૂકાયેલા આ પેન્ટહાઉસમાં છ બેડરૂમ અને સાત બાથરૂમ છે. માસ્ટર બાથરૂમની વચ્ચે મોટું ટબ મૂકવામાં આવ્યું છે. આ પેન્ટહાઉસનો લિવિંગ રૂમ ૯૩ ફૂટ લાંબો છે અને મેનહટ્ટનને ૩૬૦ ડિગ્રી વ્યુ પૂરો પાડે છે. તેની અન્ય લાક્ષણિકતાઓમાં ૨૪૦ લિનિયર ફીટ ગ્લાસ છે. પેન્ટહાઉસને સમગ્ર ફર્નિચર અને આર્ટવર્ક સાથે વેચવાનું છે. તેના બેઠક ખંડની બારીમાંથી સેન્ટ્રલ પાર્કનો જબરદસ્ત વ્યુ મળે છે. પેન્ટહાઉસમાં શહેરના જુદા જુદા વ્યુ આપતા ડાઈનિંગ એરિયા પણ છે. આ ફેસેલિટીમાં ૭૫ ફૂટનો સ્વિમિંગ પુલ, સૌના, સ્ટિમ અને ફીટનેસ સેન્ટર સામેલ છે.