ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂ ઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં આવેલા ક્રાઇસ્ટચર્ચમાં આજે શુક્રવારે બનેલી અંધાધૂંધ ગોળીબારની બે ઘટનામાં ૪૯ લોકો માર્યા ગયા છે જ્યારે ૨૦થી વધુ ગંભીર ઇજા થઇ છે. ન્યૂ ઝીલેન્ડના વડાં પ્રધાન જેસિન્ડા આર્ડર્ને આ લોહિયાળ ઘટનાને આતંકી હુમલો ગણાવી છે. આતંકી હુમલાખોરોએ મસ્જિદને નિશાન બનાવીને બેફામ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાના પગલે તમામ મસ્જિદોને બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરી દેવાઇ હોવાનું સત્તાવાળાઓએ જાહેર કર્યું છે.
પોલીસ કમિશનરે જાહેર કર્યું હતું કે આતંકી હુમલાની આ ઘટના સંદર્ભે ત્રણ પુરુષો અને એક મહિલાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગોળીબાર કરનાર હુમલાખોર ઓસ્ટ્રેલિયન હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પણ હુમલાખોર તેના દેશનો નાગરિક હોવાની વાતને સમર્થન આપ્યું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વિશ્વના અન્ય દેશોના નેતાઓએ આ આતંકી હુમલાને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે.
આતંકી હુમલામાં બાંગ્લાદેશની ક્રિકેટના ટીમનો આબાદ બચાવ થયો છે. બાંગ્લાદેશની ટીમ હાલમાં ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે છે અને તેઓ મસ્જિદમાં પ્રવેશે તેની થોડીક મિનિટો પૂર્વે જ આ હુમલો થયો હતો. આતંકી હુમલાની ઘટના બાદ બાંગ્લાદેશના ટીમ મેનેજમેન્ટે પ્રવાસ ટૂંકાવીને સ્વદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો છે.
વડાં પ્રધાને કહ્યું હતું કે ક્રાઇસ્ટચર્ચ હુમલાનો ભોગ બનેલાઓનું ઘર હતું. તેઓ ભલે અહીં જન્મ્યા ન હોય, પરંતુ તેઓ અહીં રહેતા હતા. કેટલાય લોકો માટે ન્યૂ ઝીલેન્ડ પ્રિય દેશ છે. આ પૂર્વે તેમણે એક રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં કહ્યું હતું કે આજનો દિવસ ન્યૂ ઝીલેન્ડના સૌથી કાળા દિવસોમાંનો એક છે.
આ ગોળીબાર થયો તે અલ નૂર મસ્જિદ સેન્ટ્રલ ક્રાઇસ્ટચર્ચ વિસ્તારમાં હેગલે પાર્ક પાસેના ડીન એવન્યૂ પાસે આવી છે. જે મસ્જિદમાં હુમલો થયો છે તેની બાજુમાં જ એક બીજી મસ્જિદ છે, જે ખાલી કરાવી નાંખવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેથેડ્રલ સ્ક્વેર પણ ખાલી કરાવાયું છે, જ્યાં ક્લાઇમેટ ચેન્જ માટેની એક રેલી માટે હજારો બાળકો એકઠાં થયાં હતાં.
આયોજનબદ્ધ હુમલો
પોલીસ કમિશનર માઇક બુશે જણાવ્યું, ‘ક્રાઇસ્ટચર્ચમાં એક શૂટરના કારણે ગંભીર ઘટના બની છે, જેની હજુ વધુ માહિતી આવી રહી છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ પૂરતા પ્રયત્નો કરી રહી છે. પરંતુ હજુ પણ જોખમ રહેલું છે.’ બુશે જણાવ્યું હતું કે કેટલાય વિસ્ફોટકો કબ્જે કરવામાં આવ્યા છે. હુમલાખોરોએ આમાં મોટા શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે તે દર્શાવે છે કે હુમલો બહુ આયોજનપૂર્વક થયો છે.
પોલીસે ક્રાઇસ્ટચર્ચની આસપાસ રહેતા પ્રજાજનોને આગામી આદેશ સુધી ઘરમાં જ રહેવા, બહાર રસ્તા પર ન નીકળવા સુચના આપી છે. ક્રાઇસ્ટચર્ચની શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે.
સમગ્ર ઘટનાને નજરે નિહાળનાર એક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે લોકો હુમલાખોરથી બચવા માટે ચારેતરફ ભાગી રહ્યા હતા. મોહન ઇબ્રાહિમ નામની એક વ્યક્તિએ સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘પહેલાં અમને લાગ્યું કે ઇલેક્ટ્રિક શોક છે, પણ પછી લોકોએ ભાગવાનું શરૂ કરી દીધું હતું. મારા મિત્રો હજી પણ અંદર છે... હું મારા મિત્રોને ફોન કરવાની કોશિશ કરું છું, પણ હજી ઘણાનો સંપર્ક થઈ શક્યો નથી. મને તેમની ચિંતા થાય છે.’
હુમલાખોર ઓસ્ટ્રેલિયન
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને એ વાતને સમર્થન આપ્યું છે કે હુમલાખોરોમાં એક ૨૮ વર્ષનો ઓસ્ટ્રેલિયન નાગરિક છે. મોરિસને કહ્યું હતું કે આ ઘટના આપણને સમજાવે છે કે આપણી વચ્ચે ખરાબ લોકો પણ હંમેશા હોય જ છે અને તેઓ ક્યારેય પણ આવો હુમલો કરી શકે છે.
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમનો બચાવ
આતંકી હુમલાની ઘટના સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમનો બચાવ થયો હતો, તેઓ ઘટનાસ્થળ પાસે જ હાજર હતા. ક્રિકેટર તમિમ ઇકબાલ ખાને ટ્વીટ કર્યું, ‘સમગ્ર ટીમ શૂટરથી બચી ગઈ છે.’ તેણે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ સુરક્ષિત છે, આતંકી હુમલાની ઘટનાથી તેમને માનસિક આઘાત લાગ્યો છે. ટીમને હોટેલમાં જ રહેવા જણાવવામાં આવ્યું છે. ઇએસપીએન ક્રિકઇન્ફોના બાંગ્લાદેશના સંવાદદાતા મોહમ્મદ ઇસ્લામે ટીમનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો હતો.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રવક્તા જલાલ યુનુસે કહ્યું કે ટીમ એક બસમાં મસ્જિદ પહોંચી હતી. જોકે ખેલાડીઓ મસ્જિદમાં પ્રવેશે તે પહેલાં જ આ ઘટના બની હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ હુમલા સંદર્ભે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે ન્યૂ ઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં હાજર બાંગ્લાદેશના તમામ ખેલાડીઓ સુરક્ષિત હોટેલ પરત આવી ગયા છે.