ઈસ્લામાબાદ: પઠાણકોટ એરબેઝ પરના હુમલાની તપાસ કરવા આવેલી પાકિસ્તાની ટીમે ઈસ્લામાબાદ પરત ફર્યાના એક જ દિવસ પછી દાવો કર્યો છે કે, આ હુમલામાં પાકિસ્તાનના નાગરિકોની સંડોવણી હોવાના પુરાવા આપવામાં ભારત સરકાર નિષ્ફળ રહી છે. પાકિસ્તાનની બે મોઢાંની વાતથી ભારત સરકારે આઘાત અને આશ્ચર્યની લાગણી વ્યક્ત કરી છે. પાકિસ્તાનની ટીમે ઈસ્લામાબાદમાં ભારત સરકારના કેટલાક અહેવાલો રજૂ કરીને જણાવ્યું છે કે, અમે ત્યાં જઈને તપાસ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આટલા ઓછા સમયમાં પાકિસ્તાન તરફથી પુરાવા ભેગા કરવા શક્ય બન્યા નથી. પઠાણકોટ એરબેઝમાં અમે માંડ ૫૫ મિનિટનો સમય ગાળ્યો હતો. પાકિસ્તાન ટીમે ભારતીય મીડિયાના અહેવાલોની પણ પાકિસ્તાન સરકારને વિગતો આપી છે.
આ અહેવાલો પ્રમાણે, પાકિસ્તાનની ટીમને પઠાણકોટ એરબેઝમાં પાછલા દરવાજેથી પ્રવેશ આપી આતંકીઓએ હુમલો કર્યો હતો એ સ્થળે લઈ જવાઈ હતી. આ ઉપરાંત એનઆઈએના અધિકારીઓ પાકિસ્તાની ટીમને આતંકવાદીઓ જે બામિયાલ ગામેથી ભારતમાં પ્રવેશ્યા હતા ત્યાં પણ લઈ ગયા હતા. એટલું જ નહીં, આતંકવાદીઓ જે રૂટ પરથી એરબેઝ સુધી પહોંચ્યા હતા, એ રૂટનો પણ પાકિસ્તાનની ટીમને પ્રવાસ કરાવાયો હતો. આ દરમિયાન વિપક્ષોએ પાકિસ્તાની ટીમને એરબેઝમાં પ્રવેશ આપવાનો વિવાદ કરતા સંરક્ષણ પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે, પાકિસ્તાની ટીમને એરબેઝમાં પ્રવેશ નહીં અપાય. જોકે, બાદમાં પાકિસ્તાનની ટીમને એરબેઝમાં પાછલા દરવાજેથી પ્રવેશ આપી આતંકવાદીઓ માર્યા ગયા એ સ્થળે જ લઈ જવાઈ હતી. પાકિસ્તાની ટીમ પઠાણકોટ એરબેઝમાં પહોંચી ત્યારે તમામ વ્યૂહાત્મક સ્થળો અને એરફોર્સના તમામ શસ્ત્રભંડારો સફેદ પડદાથી ઢાંકી દેવાયા હતા.
આમ, સંરક્ષણ મંત્રાલયે આવો વચ્ચેનો રસ્તો કાઢવાની ફરજ પડી હતી. આટલી માહિતી આપ્યા પછી પાકિસ્તાની ટીમે નોંધ્યું છે કે, આ હુમલો થયો ત્યારે પઠાણકોટ એરબેઝની ૨૪ કિલોમીટર લાંબી દીવાલની લાઈટો ખામીયુક્ત હતી. જોકે, અમને ફક્ત બીએસએફ અને અન્ય ભારતીય લશ્કરની બેદરકારીથી જ માહિતગાર કરાયા હતા. આ પાંચ દિવસની મુલાકાતમાં અમારી પાસે ઘણો ઓછો સમય હતો અને એટલે અમે પાકિસ્તાન તરફથી વધારે પુરાવા ભેગા કરી શક્યા નથી.