વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પોતાના પતિની ભૂલી જવાની આદતથી રોષે ભરાયેલી એક આયરીશ મહિલાએ પતિને ‘વેચવા’ માટે ઓનલાઇન જાહેરાત કરી નાંખી છે. મજાની વાત એ છે કે પતિને વેચવા માટેની આ ઓનલાઈન જાહેરાત સાથે મહિલાએ સ્પષ્ટ લખ્યું છેઃ ‘નો રિટર્ન પોલિસી’. મતલબ કે વેચેલા પતિને કોઇ પણ સંજોગોમાં પાછો લેવામાં આવશે નહીં. પત્નીના આવા આકરા રોષનો ભોગ બનેલા બિચારા પતિનો વાંક એટલો જ કે એ માછલી પકડવા ગયો ત્યારે પત્નીને સાથે લઈને ગયો નહોતો.
ન્યૂઝીલેન્ડમાં જાણીતી ટ્રેડમી નામની ઇબે જેવી વેબસાઇટ પર મૂકાયેલી આ જાહેરાતમાં, મહિલાએ સારી ડિલ મેળવવા માટે તેના પતિના સદગુણ અને દુર્ગણ વિશે પણ વિગતવાર લખ્યું છે. લિંડા મેકએલિસ્ટર નામની મહિલાએ પોતાની જાહેરાતમાં ઉલ્લેખ કર્યો છે કે તેનો પતિ ૩૭ વર્ષનો છે અને તેની ઊંચાઇ ૬ ફૂટ છે. વ્યવસાયે ખેડૂત છે અને પશુપાલન કરીને પરિવારનો નિર્વાહ કરે છે.
આ દંપતીએ ૨૦૧૯માં આયરલેન્ડમાં લગ્ન કર્યા હતા, તેમને બે દીકરા (એક ૪ વર્ષનો અને બીજો ૬ વર્ષનો) છે. સ્કૂલની રજા દરમિયાન જ્હોન માછલી પકડવા માટે ગયો હતો અને બાળકોની દેખભાળ માટે પત્નીને ઘેર છોડીને ગયો હતો. પતિના આટલા જ વાંકથી નારાજ મહિલાએ પતિને વેચવા માટે જાહેરાત આપી દીધી.
મીડિયા રિપોર્ટ અનુસાર લિંડાએ જાહેરાતમાં તેના પતિની ખાસિયતો પણ લખી હતી. જે અનુસાર, મારા પતિને ખાવા-પીવાનું મળતું રહેશે ત્યાં સુધી વફાદાર રહેશે. જ્હોનને શૂટિંગ અને ફિશિંગ ખૂબ જ પસંદ છે, અને વ્યવસાયે તે એક ખેડૂત છે. મારો પતિ નવી જગ્યાએ પરેશાન થઈ શકે છે, પરંતુ એ પોતાનામાં ખુશ રહે છે, એ ખૂબ સારો છે. જાહેરાતમાં છેલ્લે એવી નોંધ કરવામાં આવી છે કે, વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય કે, આ જાહેરાત ઓનલાઇન મૂકાતાં જ અનેક લોકોનું ધ્યાન ગયું, અને વાયરલ થઇ ગઇ હતી. આ જાહેરાતને કેટલીક મહિલાઓએ તો ખૂબ ગંભીરતાથી લીધી હતી અને જ્હોનને ખરીદવા માટે રસ પણ દાખવ્યો હતો. અને બોલી લાગવાની શરૂ થઇ ગઇ હતી. જોકે આના થોડાક કલાક પછી ટ્રેડમીએ આ જાહેરાત સાઈટ પરથી હટાવી દીધી હતી. જોકે આ જાહેરાત મૂકનારી લિંડાની સોશિયલ મીડિયા પર ભારે ટીકા પણ થઈ હતી. કેટલાંક લોકોએ તો વળી આ મહિલા માનસિક બીમાર હોવાનું પણ જણાવ્યું હતું.