બર્લિનઃ યુરોપની ટોચની ફેશન અને ઈ-કોમર્સ કંપની ઝેલેન્ડોના સીઈઓ રુબિન રીટરે પત્નીની કારકિર્દી માટે તોતિંગ પગારની નોકરીમાંથી રાજીમાનું ધરી દેવાનો નિર્ણય કર્યો છે. રુબિન ૧૦ કરોડ ડોલર (આશરે ૮૩૦ કરોડ રૂપિયા)ની જંગી ખોટ ખાઈને પત્નીની કરિઅરમાં મદદરૂપ બનશે.
યુરોપની ફેશન કંપની ઝેલેન્ડોના સીઈઓ રુબિન રીટરને ૨૦૧૮માં કંપની સાથે જોડાતી વખતે કરાર કર્યો હતો તે અનુસાર પાંચ વર્ષના ઈન્સેન્ટિવ અને ઈન્ક્રિમેન્ટ પેટે લગભગ ૧૦ કરોડ ડોલર મળવાના હતા. જોકે પત્નીની કારકિર્દી માટે સીઈઓ પતિદેવે ૧૦ કરોડ જતા કરવાનું સાહસિક પગલું ભર્યું છે.
બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે ૩૮ વર્ષના રુબિને પત્ની કારકિર્દી બનાવી શકે તે માટે આ પગલું ભર્યું છે. પત્ની જ્યારે બિઝનેસ શરૂ કરશે ત્યારે પતિ રુબિન ઘરે રહીને બાળકોની જવાબદારી સંભાળશે. ઝેલેન્ડોના સીઈઓએ કંપનીને એક વર્ષની નોટિસ પાઠવી દીધી છે અને આવતા વર્ષે તે સ્વેચ્છાએ નિવૃત્ત થઈ જશે.