હેનોવર, પેરિસ, નવી દિલ્હીઃ વડા પ્રધાનપદ સંભાળ્યા બાદ પ્રથમ વખત ત્રણ દેશો ફ્રાન્સ, જર્મની અને કેનેડાના પ્રવાસે નીકળેલા નરેન્દ્ર મોદીએ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની ક્ષમતા-સજ્જતા ધરાવતા ભારત દેશમાં પ્રોજેક્ટ સ્થાપવા ફ્રાન્સ અને જર્મનીના મૂડીરોકાણકારો અને ઔદ્યોગિક એકમોને આમંત્ર્યા હતા. મોદીએ દેશના આર્થિક વિકાસ માટે સહયોગ માગવાની સાથોસાથ આંતરરાષ્ટ્રીય તખતે ભારતને મહત્ત્વનું સ્થાન અપાવવા યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ માટે સમર્થનનો પણ અનુરોધ કર્યો હતો.
ફ્રાન્સ અને જર્મનીની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ ઉદ્યોગકારો, મૂડીરોકાણકારોને સંબોધતા કહ્યું હતું કે ભારત વિશ્વનું ગ્લોબલ ગ્રોથ એન્જીન બનવા માટે જરૂરી ‘થ્રી-ડી’ ક્ષમતા ધરાવે છે. ભારતમાં ડેમોક્રસી (લોકશાહી) છે, ડેમોગ્રાફી (જરૂરી ભૌગોલિક સ્થિતિ) છે અને ડિમાન્ડ (માગ) છે.
વિકાસની ભરપૂર શક્યતા ધરાવતા ભારતમાં આ ત્રણેય પાસાંનો સુભગ સમન્વય છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં એકમો સ્થાપીને, મૂડીરોકાણ કરીને તમે લાભ મેળવવાની સાથે સાથે મેઇક ઇન ઇંડિયા પ્રોજેક્ટમાં સહભાગી બની શકો છો.
અત્યાર સુધીના સૌથી લાંબા નવ દિવસના વિદેશ પ્રવાસનો પ્રારંભ તેણે ફ્રાન્સથી કર્યો હતો. ચાર દિવસના રોકાણમાં તેમણે પ્રમુખ ફ્રાન્સવા ઓલાંદથી માંડીને ટોચના રાજનેતાઓ અને ઉદ્યોગ ગૃહોના સીઇઓ સાથે બેઠક યોજી હતી.
વડા પ્રધાન મોદીના પ્રવાસનો બીજો મુકામ જર્મની હતો. અહીં તેમણે દેશનાં વડાં ચાન્સેલર એન્જેલા મર્કેલથી માંડીને અગ્રણી ઉદ્યોગ સમૂહો સાથે બેઠકો યોજીને ભારતમાં વિકાસની ભરપૂર તકો હોવાનું જણાવી મૂડીરોકાણ માટે અનુરોધ કર્યો હતો.
મોદીના જર્મની પ્રવાસના અંતિમ દિવસે મંગળવારે સાંજે બન્ને નેતાઓએ સંયુક્ત નિવેદન જારી કરીને દ્વિપક્ષી સંબંધોને મજબૂત નિર્ધાર વ્યક્ત કર્યો હતો. મર્કેલે હતું કે જર્મની ભારત સાથે નક્કર આર્થિક સંબંધો ઇચ્છે છે.
પ્રવાસના અંતિમ ચરણમાં મોદી બુધવારે કેનેડા પહોંચશે. ઉલ્લેખનીય છે કે ૧૭ વર્ષના લાંબા અરસા બાદ ભારતના વડા પ્રધાનની આ પ્રથમ કેનેડા મુલાકાત છે.