પરમેશ્વર સ્વરૂપ પાલનહાર પિતા

Wednesday 19th June 2019 06:06 EDT
 
 

ન્યૂ યોર્કઃ વિશ્વ સમસ્તમાં રવિવારે ઉમંગ-ઉલ્લાસભેર ફાધર્સ ડે ઉજવાયો. સંતાનોએ અંતરના ઉમળકાથી પિતાના પ્રેમ અને બલિદાનને બિરદાવ્યા. આ દરમિયાન અમેરિકાથી પિતા-પુત્રના લાગણીભીના અનુબંધની એક એવી કહાણી આવી છે, જે વાંચીને તમને ખાતરી થઇ જશે કે પુત્ર રિક માટે ડિક હોયટ માત્ર પિતા જ નથી, પરંતુ પિતાના સ્વરૂપમાં પરમેશ્વર છે. પિતા ડિક હોયટ ૪૨ વર્ષમાં પુત્રને વ્હિલચર પર બેસાડીને ૧૨૦૦ રેસમાં દોડ્યા છે. તેઓ પુત્રને છાતી પર બાંધીને સ્વિમિંગ બોર્ડની મદદથી અનેક કિલોમીટર તરી ચૂક્યા છે. અરે... પિતા-પુત્ર સાઈકલ પર આખું અમેરિકા ફરી ચૂક્યા છે!
વાંચો ડિક હોયટની કહાની તેમના જ શબ્દોમાં...
‘આ વાત ૧૯૬૨ની છે. હું પિતા બન્યો હતો. ખુશ હતો, પરંતુ અધૂરો કારણ કે મારો પુત્ર રિક બીમાર હતો. દિમાગમાં ઓક્સિજનની કમીના કારણે તેને લકવો થયો હતો. ડોક્ટરોએ સૂચન કર્યું હતું કે આ બાળક સામાન્ય નથી, તેના શ્વાસ અટકાવી દો. પરંતુ કયો પિતા આવું કરી શકે? હું રિકને ઘરે લાવ્યો. હું ડરી જતો હતો કે શું રિક ખરેખર બોલી-ચાલી નહીં શકે?
જોકે એક દિવસ મેં જોયું કે રિકની આંખો ધ્યાનથી મને જોઇ રહી હતી. મેં મહેસૂસ કર્યું કે રિક શરીરથી ભલે કમજોર હોય, પરંતુ તેનું દિમાગ તેજ છે. હું તેને આલ્ફાબેટ શીખવવા લાગ્યો અને તે પણ શીખવા લાગ્યો.
જોકે, તે ક્યારેય પોતાની વાત રજૂ નહોતો કરી શકતો એટલે મેં ટફ્ટ યુનિવર્સિટીના એન્જિનિયર્સ પાસે એક ખાસ સોફ્ટવેર બનાવડાવ્યું. કમ્પ્યુટર સામે બેઠેલો રિક ખુશ થઈને માથું હલાવે તો સ્ક્રીન પર કર્સર પણ ફરતું. માથા નજીક લગાવેલું બટન દબાવીને રિક લખવાનું શીખ્યો. કમ્પ્યુટર પર પહેલો શબ્દ તેણે લખ્યો હતો ગો બ્રુઈન્સ... તે બ્રુઈન્સની મેચ જોવા માંગતો હતો. ધ બોસ્ટન બ્રુઈન્સ આઈસ હોકીની પ્રસિદ્ધ ટીમ છે.
હું રિકને એ મેચ જોવા લઈ ગયો. એ દિવસે મને ખબર પડી કે રિક ખેલાડી જેવા મનનું બાળક છે. હું તેને સામાન્ય બાળકની સ્કૂલમાં મૂકવા માંગતો હતો, પરંતુ કોઇ સ્કૂલ એડમિશન નહોતી આપતી. બહુ જ સંઘર્ષ પછી ૧૩ વર્ષની વયે તેને એડમિશન મળ્યું. પછી એક દિવસ તેણે મને કહ્યું કે કોઈ દુર્ઘટનામાં પગ ગુમાવી ચૂકેલા ખેલાડીની મદદ માટે મારી સ્કૂલમાં એક રેસ યોજાઈ રહી છે. હું પણ આઠ કિલોમીટરની એ રેસમાં દોડવા માંગુ છું.

મેં વિચાર્યું કે આટલું તો હું રિક માટે દોડી જ શકું. તેને વ્હિલચેર પર બેસાડીને મેં રેસ પૂરી કરી.
એ રાત્રે રિકે મને કહ્યું કે ડેડ હું દોડી રહ્યો હતો ત્યારે મને લાગ્યું કે હું હેન્ડિકેપ નથી. એ મારા માટે બહુ જ મોટી ફીલિંગ હતી. હું તેના એ અહેસાસને મજબૂત કરવા માંગતો હતો એટલે હું તેને રનિંગ ક્લબ લઈ જવા લાગ્યો. આ માટે મેં ખાસ રનિંગ ચેર પણ બનાવડાવી. આ પછી અમે અઠવાડિયાની ત્રણ રેસ કરવા લાગ્યા.
અમે ડબલ રેસમાં પણ ગયા, જેમાં ત્રણ માઈલ દોડવાનું અને અડધો માઈલ તરવાનું રહેતું. સ્વિમિંગ માટે મેં દોરડાનો એક છેડો મારી કમર પર અને બીજો છેડો રિકના સ્વિમિંગ બોર્ડ પર બાંધ્યો. જેમ જેમ અમે રેસ કરતા ગયા, તેમ તેમ તેની ખુશીઓ વધતી ગઈ અને મારી પણ હિંમત વધી ગઈ. આજે હું ૭૯ વર્ષનો થયો છું અને રિક ૫૭ વર્ષનો. અમારી આ સફર ચાલુ રહેશે...’

પુત્ર રિકનું દિલ કહે છે...

‘મારા ડેડી મારા હાથ અને પગ જ નથી, પરંતુ મારો પ્રેરણાસ્રોત પણ છે. તેમણે મારું જીવન બચાવ્યું અને મને જીવવાની સતત પ્રેરણા આપી. તેઓ હજારો લોકોની પ્રેરણા છે. મારી ઈચ્છા છે કે, એક વાર ડેડી ચેર પર બેસે અને હું તેમને લઈને દોડું. મારા ડેડી સાથે હું કંઈ પણ કરવા સક્ષમ છું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter