લંડનઃ ક્વોન્ટાસ એરલાઇન્સે લંડનથી ઓસ્ટ્રેલિયાના પર્થ વચ્ચે સીધી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરીને ઇતિહાસ સર્જ્યો છે. આ ફ્લાઈટ લંડનથી પર્થ સુધીનું નવ હજાર કિલોમીટરનું અંતર ફક્ત ૧૭ કલાક અને ૨૦ મિનિટમાં કાપે છે. લંડનના હીથ્રો એરપોર્ટ પર તા.૨૪ માર્ચને રવિવારે વહેલી સવારે ૫.૧૦ વાગ્યે પર્થથી ઉપડેલી ફ્લાઇટે પહેલીવાર ઉતરાણ કર્યું હતું.
જોકે, આ ફ્લાઇટને ઓસ્ટ્રેલિયાના માર્કસ વાવાઝોડાના કારણે થોડી તકલીફનો સામનો કરવો પડયો હતો. આ વાવાઝોડાના કારણે પર્થમાં તેજ પવન ફૂંકાયો હતો. આ ફ્લાઇટે પર્થથી ઉડાન ભરી ત્યારે અને લંડનમાં ઉતરાણ કર્યું ત્યારે એરપોર્ટ સ્ટાફ અને મુસાફરોના સ્વજનોએ તેને વધાવી લીધી હતી. લાંબી મુસાફરીને ધ્યાનમાં રાખીને ક્વોન્ટાસ એરલાઇન્સે જેટ લેગની અસર ઘટે અને અવાજ ઓછો થાય એ રીતે બોઇંગ ૭૮૭-૯ એરક્રાફ્ટ ડિઝાઇન કર્યું છે.
ક્વોન્ટાસ એરલાઇન્સના સીઈઓ એલન જોયસે કહ્યું હતું કે, ગ્લોબલ એવિયેશન ક્ષેત્રે ઓસ્ટ્રેલિયાની આ ઐતિહાસિક ઉડાન છે. અમે ઓસ્ટ્રેલિયાથી બ્રિટન વચ્ચેના તમામ સ્ટોપઓવર દૂર કરીને મુસાફરોને સીધી ફ્લાઇટની સેવા આપવાની શરૂઆત કરી બતાવી છે. અમે સાબિત કરવા માંગતા હતા કે, ઓસ્ટ્રેલિયાથી બ્રિટન સુધી નોન-સ્ટોપ ફ્લાઇટ શક્ય છે. આર્થિક રીતે પણ એ પરવડે છે. વર્ષ ૧૯૪૭થી ઓસ્ટ્રેલિયાથી લંડન જતા ચાર દિવસ લાગતા હતા, પરંતુ હવે આ અંતર આપણે એક જ કૂદકામાં કાપી શકીશું. ટ્રાવેલની દુનિયામાં આ ઐતિહાસિક ક્ષણ છે.