ન્યૂ યોર્કઃ હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસના બીજા ચરણમાં ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. અહીં તેમણે સોમવારે યુનાઇટેડ નેશન્સમાં ક્લાયમેટ ચેન્જ સત્રને સંબોધતાં કહ્યું હતું કે પર્યાવરણને બચાવવાની વાતો કરવાનો સમય પૂરો થઈ ગયો છે અને હવે કામ કરીને બતાવવાનો સમય આવી ગયો છે. જળવાયુ પરિવર્તનના મુદ્દે દુનિયાભરમાં અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હજી ઘણું કરવાની જરૂર છે. પર્યાવરણને બચાવવા માટે આજે વૈશ્વિક આંદોલનની જરૂર છે.
વડા પ્રધાન મોદીએ એકદમ ટૂંકા પણ મુદ્દાસરના પ્રવચનમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ચેમ્પિયન ઓફ અર્થ અવોર્ડ મળ્યા બાદ યુનાઇટેડ નેશન્સમાં આ મારું પહેલું સંબોધન છે. આ સુખદ સંજોગ છે કે ન્યૂ યોર્કમાં મારું પહેલું પ્રવચન જળવાયુ પરિવર્તનના મુદ્દે છે. જળવાયુ પરિવર્તનનો મુદ્દો ગંભીર પડકાર છે અને જેટલા પ્રયાસ કરવા જોઈએ એટલા થતા નથી. આ ક્ષેત્રે હજી ઘણું કામ કરવાનું બાકી છે. પ્રકૃતિનું સન્માન જરૂરી છે. લાલચ નહીં, પણ જરૂરત એ અમારું માર્ગદર્શક મૂલ્ય છે અને અહીં અમે ગંભીર વાત નહીં, પણ એક પ્રેક્ટિકલ અપ્રોચ સાથે આવ્યા છીએ. અમારી પાસે આ માટેનો રોડ મેપ છે.
પર્યાવરણના મુદ્દે ભારતમાં થઈ રહેલા કામ અંગે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ વર્ષે ભારતની સ્વતંત્રતા દિવસના અવસરે અમે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા માટે આંદોલન શરૂ કર્યું છે. મને આશા છે કે આ પહેલ વિશ્વભરમાં પ્લાસ્ટિકના વપરાશના વિરોધમાં જાગૃતિ પેદા કરશે. અમે જળ સંરક્ષણ માટે ‘જળજીવન મિશન’ની શરૂઆત કરી છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર પણ અમે કામ કર્યું છે. આગામી થોડાંક વર્ષોમાં ભારત જળ સંરક્ષણના કામ માટે ૫૦ મિલિયન ડોલરનો ખર્ચ કરશે.
મોદીએ કહ્યું હતું કે અમે ભારતમાં ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ઈ-મોબિલિટી પર વધારે ભાર આપી રહ્યા છીએ. ભારતમાં બાયો-ફ્યુઅલ ભેળવીને પેટ્રોલ અને ડીઝલને વિકસિત કરવા માટે કામ થઈ રહ્યું છે. અમે ૧૧.૫૦ કરોડ પરિવારોના ઘરોમાં ગેસના કનેક્શન પૂરાં પાડયાં છે. અમે ફોસિલ ફ્યુઅલના વપરાશને ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અમે રીન્યુએબલ એનર્જી કેપેસિટી ૧૭૫ ગીગાવોટ્સથી વધારીને ૪૦૦ ગીગાવોટ્સ કરીશું.