નવી દિલ્હીઃ પશ્ચિમ યુરોપના જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ જેવા દેશોમાં છેલ્લા એક સપ્તાહથી ભારેથી અતિ ભારે વરસાદના કારણે આવેલા વિનાશક પૂરમાં ૧,૦૦૦થી વધુ લોકો લાપતા બન્યા હોવાનો ભય સેવાઈ રહ્યો છે. સૌથી વધુ અસરગ્રસ્ત એવા જર્મનીમાં પૂરમાં થયેલા મોતનો આંકડો ૧૭૦ને આંબી ગયો છે. જ્યારે સમગ્ર યુરોપમાં વિનાશક પૂરમાં ૨૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જર્મનીમાં ૧૯૬૨ પછી અત્યાર સુધીનું આ સૌથી વિનાશક પૂર છે. પાડોશમાં આવેલા બેલ્જિયમમાં ૩૦ જેટલાં લોકોનાં મોત થયાંના અહેવાલ છે. આશરે ૧,૦૦૦થી વધુ લોકો લાપતા હોવાના કારણે મોતનો આંકડો ઘણો ઊંચો જવાની સંભાવના છે.
જર્મનીમાં યુદ્ધના સ્તરે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં વીજળી અને ટેલિફોનની સેવાઓ ઠપ થઈ ગઈ છે. નેધરલેન્ડમાં પૂરે ભારે વિનાશ વેર્યો છે. બુંદે, વાઉલવેમ્સ, બ્રોમલિન અને ગુલ્લે સહિતા હજારો લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. સ્વિત્ઝર્લેન્ડમાં પણ સંખ્યાબંધ નદીઓ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણીઓ અપાઈ છે.
પશ્ચિમ જર્મનીના યુસ્કિર્ચેન પ્રાંતમાં આવેલા બોન શહેર નજીકના ગામોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નજીકમાં આવેલા સ્ટેઇનબેક જળાશય પરના બંધમાં તિરાડો પડતાં હજારો ગ્રામીણો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. છેલ્લા ત્રણ મહિનાનો વરરસાદ એક જ સપ્તાહમાં પડતાં જળાશયમાં પાણીની ભારે આવક થતાં ઇજનેરોએ ચેતવણી ઉચ્ચારી છે કે આ બંધ ગમે ત્યારે તૂટી શકે છે.
અબજો યૂરોનું આર્થિક નુકસાન
એક જર્મન અધિકારીએ જણાવ્યું છે કે પૂરના વિનાશનો વ્યાપ એટલો બધો છે કે જર્મનીને અબજો યૂરોનું નુકસાન થયું છે. જર્મનીને આર્થિક નુકસાનની સાથે સાથે માનવ જિંદગીઓનું પણ મોટું નુકસાન થયું છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે જણાવ્યું હતું કે તેઓ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જઈ રહ્યાં છે. જર્મન પ્રમુખ ફ્રેન્ક વોલ્ટર સ્ટેઇનમિયર શનિવારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા.