કમ્પાલાઃ યુગાન્ડાની રાજધાનીમાં પશ્ચિમી દેશોના વપરાયેલા સેકન્ડહેન્ડ વસ્ત્રોનો જોરદાર વેપાર થઈ રહ્યો છે અને તેના અનેક બજારો જોવા મળે છે. ઘરઆંગણે તૈયાર કરાતા ગારમેન્ટ્સની સરખામણીએ પશ્ચિમી દેશોના વસ્ત્રો અને પગરખાંની ફેશન તેમજ ગુણવત્તા અનેકગણી ચડિયાતી હોવાની માનસિકતા સાથે યુગાન્ડાનો ગરીબ, મધ્યમ અને તવંગર વર્ગ પણ કમ્પાલાના ઓવિનો માર્કેટમાં જોવાં મળે છે.
યુરોપિયન્સ અને અમેરિકન્સ દ્વારા ફેંકી દેવાયેલા વસ્ત્રો વચેટિયાઓની નમદદથી આફ્રિકન દેશોમાં પહોંચે છે. યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા 2017ના અભ્યાસ મુજબ આ કરોડો ડોલરના બિઝનેસમાં પૂર્વ આફ્રિકાના સાત દેશોમાં ઓછામાં ઓછાં બે તૃતીઆંશ લોકોએ આ સેકન્ડહેન્ડ માર્કેટ્સમાંથી ઘણી વખત ખરીદી કરેલી છે. આ બિઝનેસની ભારે લોકપ્રિયતા હોવા છતાં, યુગાન્ડાના પ્રમુખ મુસેવેનીએ તાજેતરમાં જ વપરાયેલા વસ્ત્રોની આયાત પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરતા કહ્યું હતું કે આ વસ્ત્રો મૃત લોકોના હોય છે જેને આફ્રિકા મોકલાય છે. જોકે, વેપાર સત્તાવાળાઓ દ્વારા પ્રમુખના આદેશનો હજુ અમલ કરાયો નથી. અન્ય આફ્રિકન સરકારો પણ આ બિઝનેસથી સ્થાનિક ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને નુકસાન થતું શિપમેન્ટ્સ અટકાવવા પ્રયાસ કરી રહેલ છે. બુરુન્ડી, કોંગો, કેન્યા, રવાન્ડા, સાઉથ સુદાન, ટાન્ઝાનિયા અને યુગાન્ડાએ 2016થી વપરાયેલા વસ્ત્રોની આયાતો પર પ્રતિબંધની ભલામણો કરી છે પરંતુ, અમેરિકા અને યુરોપના ભારે દબાણના લીધે તેનો અમલ શક્ય બન્યો નથી.