લંડન: એક કંપનીએ પહેરીને ફરી શકાય તેવી ખુરશીની ડિઝાઇન તૈયાર કરી છે. જેમાં એના સિટીંગ પેડ સાથે બે ફોલ્ડિંગ પાયા જોડાયેલા છે અને આ ખુરશીને તમારી પીઠ સાથે બાંધી દઈ શકાય છે. આશરે ૨૫૦ ડોલરની આ ખુરશી તમને હરતાંફરતાં ગમેત્યાં બેસી શકવાની સવલત તો પૂરી પાડે જ છે સાથોસાથ તમારી બેસવાની સ્થિતિમાં પણ સુધારો કરે છે, જેથી પીઠના દુખાવા જેવી શારીરિક સમસ્યાઓમાં પણ રાહત રહે.
એસ્ટ્રાઇડ બાયોનિક્સ નામની કંપની દ્વારા વિકસાવવામાં આવેલી આ ખુરશીનું નામ લેક્સ આપવામાં આવ્યું છે. આ ખુરશીને લોકોથી માંડીને ઉત્પાદકોએ એટલી પસંદ કરી છે કે પ્રોજેક્ટને ક્રાઉડ ફંડિંગ થકી ૧,૪૩,૦૦૦ ડોલરનું જંગી ભંડોળ મળ્યું છે. આ ખુરશી ખાસ કરીને ઉઠવા - બેસવામાં તકલીફ અનુભવતા લોકોને ઉપયોગી થઈ શકે તેમ હોવાનું કહેવાયું છે.
આ ખુરશીની ડિઝાઇનમાં પાયાની ગોઠવણ એવી રીતે કરવામાં છે કે તેને સહેલાઈથી જમીન પર ટેકવી શકાય અને તેના પર ગોઠવેલા માંચડા જેવા ભાગ પર બેસીને તેનો ખુરશીની જેમ ઉપયોગમાં લઈ શકાય.