વોશિંગ્ટનઃ પશ્ચિમના દેશોની સંસ્કૃતિ ખુલ્લા વિચારો માટે જાણીતી છે. જેના કારણે અજબગજબના કિસ્સા સામે આવતા રહે છે. તાજેતરમાં એક મહિલાના છૂટાછેડાએ સૌને ચોંકાવ્યા છે. આ બહેને પહેલાં જાત સાથે લગ્ન કર્યા હતા, અને હવે તેણે આ લગ્નથી છૂટાછેડાની જાહેરાત કરી છે! 36 વર્ષીય બ્રાઝિલિયન સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ સુલેન કેરીના ઈન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ ફોલોઅર્સ છે પણ વાસ્તવિક આટલા બધા ફોલોઅર્સ ધરાવતા સુલેન વાસ્તવિક જીવનમાં એકલતા અનુભવતી હતી. આથી તેણે સોલોગામી એટલે કે, પોતાની સાથે જ લગ્ન કર્યા હતા, પણ તેની સમસ્યા ઉકેલાઇ નહીં. આથી આજકાલના યુગલો લગ્ન બાદના મતભેદો - સમસ્યાના નિરાકરણ માટે જેમ કપલ્સ થેરાપી લેતા હોય છે, એમ સુલેને પણ કપલ્સ થેરાપી લીધી હતી. પરંતુ તેની સમસ્યાનું સમાધાન થયું નહીં. સુલેન આ લગ્નથી વિશ્વાસઘાતની લાગણી અનુભવતી હતી (!). આથી હવે તેણે પોતાની જાત સાથે છૂટાછેડા લઇને રિયલ પાર્ટનર સાથે સંસાર માંડવા નિર્ણય કર્યો છે.