મેક્સિકો સિટીઃ મેક્સિકોની સંસદમાં પ્રદર્શિત થયેલા 700થી 1800 વર્ષ જૂનાં મમી જેવાં બે હાડપીંજરની તસવીરોએ દુનિયાભરમાં ખળભળાટ મચાવ્યો છે. નિષ્ણાતોનો એક વર્ગ આને એલિયનના કંકાલ ગણાવે છે તો બીજો એક વર્ગ આને નર્યું તૂત ગણાવતા કહે છે કે આમાં એલિયન જેવું કંઇ નથી. આ બધું હંબગ છે.
જોકે આ કંકાલ સંસદમાં રજૂ કરનાર યુએફઓલોજિસ્ટ જૈમે મૌસનનો દાવો છે કે 2017માં પેરુના કુસ્કમાં ખોદકામ કરતાં આ હાડપીંજર મળ્યા હતા. આ કંકાલનું વિશ્વસનીય વૈજ્ઞાનિક પદ્ધતિ કાર્બન ડેટિંગ વડે પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેમાં આ કંકાલ માનવીનાં ન હોવાના પૂરતા પુરાવા મળ્યા છે. આ કંકાલના હાથ અને પગ, બંનેમાં ત્રણ-ત્રણ આંગળી છે. ખોપડી લાંબી અને હાડકાં લાંબાં છે. સંસદમાં કરાયેલા એક્સ-રેમાં તેના પેટમાં ઈંડાં અને કેડમિયમ જેવી ધાતુ જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકાના નિવૃત્ત મેજર ડેવિડ બ્રુશે દાવો કર્યો હતો કે અમેરિકા પાસે એલિયનનું અસ્તિત્વ હોવાના પુરતા પુરાવાઓ છે. મૌસન જ્યારે મેક્સિકો સરકાર અને અમેરિકાના અધિકારીઓને આ હાડપીંજર બતાવતા હતા ત્યારે ડેવિડ બ્રુશ ત્યાં હાજર હતા. સંસદમાં આ કંકાલ ૨જૂ કર્યા પછી જે ચર્ચા શરૂ થઇ છે, લોકોમાં પરગ્રહવાસ હોવાની વાતે જે વિશ્વાસ ફેલાયો છે તે જોતાં કહી શકાય કે મેક્સિકો એલિયનમાં માનનારો પહેલો દેશ બન્યો છે.