પહેલો સગો પડોશીઃ ભારત શ્રીલંકાને એક બિલિયન ડોલર આપશે, ફ્યુલ-રાશન-શાકભાજી પણ મોકલ્યા

Friday 15th April 2022 06:17 EDT
 
 

કોલંબો: શ્રીલંકા હાલ પ્રચંડ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેવાના બોજ તળે દટાયેલા શ્રીલંકાની વહારે ભારત પહોંચ્યું છે. ભારતે શ્રીલંકાને મોટા પ્રમાણમાં ખાદ્ય સામગ્રીઓ, શાકભાજી વગેરે મોકલવાનું શરૂ કરી દીધું છે. સાથે જ એક બિલિયન ડોલરની લોન પણ આપશે. એટલું જ નહીં, 2.70 લાખ મેટ્રિક ટનથી વધુનું ઈંધણ પણ મોકલ્યું છે.
ભારતની આ મદદથી શ્રીલંકામાં મોંઘવારીને કાબુમાં લેવામાં મદદ મળશે. ગયા મહિને જ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્સેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને મદદની ગુહાર લગાવી હતી. ભારત તરફથી જે પણ મદદ મળી છે તેને લઈને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, શ્રીલંકાએ સાથે એવી પણ ખાતરી આપી છે કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે ભારતને સમર્થન આપીશું.
ભારત આ મદદ એવા સમયે કરી રહ્યું છે જ્યારે શ્રીલંકાને ચીન પોતાનો મિત્ર દેશ બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે કે જેથી સમુદ્રી વિસ્તારોની મદદથી ચીન ભારતને દબાણમાં લઈ શકે. હાલ શ્રીલંકા આર્થિક સંકટમાં છે ત્યારે ચીન તરફથી કોઈ ખાસ મદદ નથી મળી રહી.
2.5 બિલિયન ડોલરથી વધુ મદદ
જ્યારે ભારતે આ વર્ષે જાન્યુઆરી બાદ જે પણ આર્થિક મદદ પહોંચાડી છે તેની રકમ 2.5 બિલિયન ડોલરને પાર જતી રહી છે. જ્યારે હજુ વધુ એક અબજ ડોલરની પણ મદદ કરશે.
શ્રીલંકાના તમિળોને શરણાર્થીનો દરજ્જો
શ્રીલંકામાં અસ્થિરતાની સ્થિતિને કારણે તમિલનાડુ સરકારે મૌખિક આદેશ જારી કરી ભારત આવનારા શ્રીલંકન તમિળોને શરણાર્થી ગણવાનો આદેશ જારી કર્યો છે. સાથે જ તમિલનાડુના રામેશ્વરમના મંડાપમમાં કેમ્પ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તમિલનાડુ સરકાર કહે છે કે શ્રીલંકાના વર્તમાન આર્થિક સંકટ અને અસ્થિરતાને કારણે ભારત આવનારા તમિલોને શરણાર્થી માનવાનો આદેશ વચગાળાનો રહેશે, તેનો અંતિમ આદેશ કેન્દ્ર સરકાર પર નિર્ભર રહેશે. તમિલનાડુ સરકાર કહે છે કે આવનારા દિવસોમાં શ્રીલંકાથી હજારો તમિલોના ભારતમાં આગમનની આશંકાને શક્યતાને કારણે આ પગલું લેવાયું છે. વિતેલા દિવસોમાં શ્રીલંકાથી બે બોટમાં અમુક તમિળો ભારત આવ્યા હતા. તેમને વિદેશી માની તેમની ધરપકડ કરી લેવાઈ હતી. નવા આદેશો બાદ કોર્ટે આ તમામને જામીન આપી દીધા છે. તમિલનાડુના શરણાર્થી વિભાગના કમિશનરે કહ્યું કે શ્રીલંકાથી આવનારા મોટા ભાગના લોકો મહિલાઓ અને બાળકો છે.
૧૩ વર્ષ પછી વાપસી
શ્રીલંકાના કોકુપાડયમની મહિલા ડોરીએ કહ્યું કે તે પોતાના પરિવાર સાથે ૨૦૦૯માં શ્રીલંકા ગઇ હતી. સ્થિતિ બગડી તો સમુદ્રનાં જીવલેણ મોજાંઓની ચિંતા કર્યા વિના તે નાનકડી બોટમાં ફરી ભારત આવી ગઈ. રામેશ્વરમમાં માછીમારોના સંગઠનના અધ્યક્ષ સેસુરાજા કહે છે કે શ્રીલંકાથી આવનારા તમિળો વિરુદ્ધ કેસ નોંધવા ન જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter