શ્રીનગર: કારગિલ વિજય દિવસની 25મા વર્ષની ઉજવણી પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ દ્રાસમાં કાગરિલ યુદ્ધ મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બરાબર 25 વર્ષ પહેલાં 26મી જુલાઈ 1999નાં દિવસે ભારતે કારગિલમાં પાકિસ્તાનની સેનાને હરાવીને વિજય મેળવ્યો હતો. દર વર્ષે આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. મોદીએ આ પ્રસંગે આતંકવાદને સીમા પાર પોષી રહેલા પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનનાં નાપાક ઈરાદા કયારેય સાકાર થશે નહીં. લદાખ હોય કે જમ્મુ-કાશ્મીર વિકાસને આડે આવતા અવરોધોને ભારત હરાવીને જ રહેશે. આતંકવાદને અમારા જાંબાઝ સૈનિકો કચડીને જ રહેશે. દુશ્મનને જડબાતોડ જવાબ આપવામાં આવશે.આપણી સેનાએ ઘણી ઊંચાઈ પર મુશ્કેલ યુદ્ધમાં વિજય હાસલ કર્યો હતો. હું દેશને વિજય અપાવનાર શૂરવીરોને પ્રણામ કરું છું. દેશની રક્ષા માટે જાનની કુરબાની આપનાર શહીદોનાં નામ અમિટ તેમજ અજર અમર રહે છે. દેશ તેમનાં માટે કૃતજ્ઞ છે. કારગિલમાં આપણી યુદ્ધમાં જીત થવાની સાથે સત્યનો પણ વિજય થયો છે. ભારત જયારે શાંતિ માટે કાર્ય કરતું હતું ત્યારે પાકિસ્તાને વિશ્વાસઘાત કર્યો હતો. પાકિસ્તાન તેનાં જૂના ઇતિહાસમાંથી કોઈ પાઠ શીખ્યું નથી.
ધરતી પરનું સ્વર્ગ શાંતિ તરફ આગળ વધી રહ્યું છે
મોદીએ કહ્યું કે 5 ઓગસ્ટે કાશ્મીરમાં કલમ 370 નાબુદ કર્યાને પાંચ વર્ષ પુરા થશે. જમ્મુ - કાશ્મીર એટલે કે ધરતી પરનું સ્વર્ગ શાંતિની દિશામાં આગળ વધી રહ્યું છે. તે આજે નવા ભવિષ્યની વાત કરે છે. નવા સપના જોઈ રહ્યું છે. G-20 સમિટ જેવા કાર્યક્રમ યોજી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ થઈ રહ્યો છે. દાયકાઓ
પછી સિનેમાઘરો ખુલ્યા છે. 35 વર્ષ પછી શ્રીનગરમાં તાજિયા નીકળ્યા છે.
અહીંથી દુશ્મનોને મારો અવાજ સીધો સંભળાતો હશે
મોદીએ કહ્યું કે હું જે મંચ પરથી બોલી રહ્યો છું ત્યાંથી આતંકવાદના આકાઓને મારો અવાજ સીધો સંભળાતો હશે. હું તેમને કહેવા માંગું છું કે તેમના નાપાક ઇરાદા ક્યારેય સાકાર થશે નહીં. દુશ્મનને જડબાતોડ જવાબ અપાશે. જમ્મુ અને કાશ્મીર શાંતિ અને સૌહાર્દનાં માર્ગે આગળ વધી રહ્યું છે. લદાખના વિકાસ માટે સરકારે બજેટમાં 6:000 કરોડની ફાળવણી કરી છે. ત્યાં વીજળી, પાણી, રસ્તાની સુવિધાથી તેને વિકસિત કરાશે. 90 ટકા ઘરોમાં નળ દ્વારા જળ પહોંચાડાશે.
શિંકુન લા સુરંગ પરિયોજનાનો પ્રારંભ
પીએમ મોદીએ લદાખમાં બની રહેલી ઓલ વેધર સુરંગ શિંકુન લા પરિયોજના માટે પહેલા વિસ્ફોટ કર્યો હતો. આ સુરંગ 4.1 કિ.મી લાંબી ટ્વિન ટ્યુબ સુરંગ છે. જે 15,800 ફુટ ઊંચાઈએનિમુ-પદુમ-દારયા રોડ પર બની રહી છે. જે લદાખની લેહને જોડે છે. વિશ્વની સૌથી ઊંચી સુરંગ છે.