ઈસ્લામાબાદ: પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં વિપક્ષના ચૂંટણી બહિષ્કાર વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈના ઉમેદવાર સરદાર તન્વીર ઈલિયાસ નવા વડા પ્રધાન તરીકે નિર્વિરોધ ચૂંટાયા છે. ઈલિયાસી પીઓકેના 14મા વડા પ્રધાન બન્યા છે.
જોકે, ભારતે પીઓકેમાં ચૂંટણીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, પાકિસ્તાનની આ કાર્યવાહી કાશ્મીરના કેટલાક વિસ્તાર પર તેના ગેરકાયદે કબજાને છુપાવવાના પ્રયાસથી વધુ કશું જ નથી. પાકિસ્તાને તત્કાળ અમારો પ્રદેશ ખાલી કરવો જોઇએ.
પીઓકેમાં સરદાર અબ્દુલ કય્યુમ નિયાઝીને પદ પરથી હટાવવાનો નિર્ણય લેવાયા બાદ વડા પ્રધાનપદ માટે ચૂંટણી યોજાઈ હતી. નિયાઝીના રાજીનામા પછી વડા પ્રધાનપદ માટે નવા નેતા ચૂંટવા બેઠક યોજી હતી. ઈલિયાસે પીટીઆઈ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. બીજી બાજુ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ને પીએમએલ- ક્યુએ ચૌધરી યાસીનને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા.
ઈમરાનના પક્ષ પીટીઆઈમાં આંતરિક વિદ્રોહના પગલે તેમના જ પક્ષ દ્વારા નિયાઝી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેથી, નિયાઝીએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડયું છે.
પીઓકેમાં ચૂંટણી અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, આ ભારતીય વિસ્તારો પર ચૂંટણી કરાવવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી અને તેણે ભારતીય વિસ્તારો પરથી તેનો ગેરકાયદે કબજો દૂર કરવો જોઈએ. બાગચીએ જણાવ્યું કે, પાકિસ્તાન ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારોમાં કથિત રીતે ચૂંટણી કરાવીને તેના પર પોતાનો દાવો કરી શકે નહીં.