નવી દિલ્હીઃ પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડનાર ભારતીય વાયુ દળના જાંબાઝ પાઇલોટ અભિનંદન વર્ધમાનને આશરે ૬૦ કલાક સુધી પાકિસ્તાનની જમીન પર રહ્યા હતા. વીતેલા પખવાડિયે સ્વદેશ પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદને કબૂલાત કરી છે કે (પાક. કસ્ટડી વેળાના) ૬૦ કલાક તેના જીવનનો સૌથી કપરો સમય હતો અને ત્યાં તેમને ખૂબ ટોર્ચર કરાયું હતું. અભિનંદનનું આ નિવેદન દર્શાવે છે કે પાકિસ્તાને યુદ્ધ કેદી તરીકે અટકાયતમાં રાખેલા અભિનંદન સાથે જિનિવા સંધિની આચારસંહિતા અનુસાર વ્યવહાર કરાયો નહોતો.
અહેવાલ અનુસાર, પાકિસ્તાનના લોકોએ અને સૈનિકોએ અભિનંદનને ક્રૂરતાપૂર્વક ફટકાર્યા હતા એટલું જ નહીં, તેમનું ગળું દબાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. અભિનંદને મિગ-૨૧ વિમાનમાંથી ૨૭ ફેબ્રુઆરીએ પેરાશૂટથી પાકિસ્તાનની જમીન પર લેન્ડીંગ કર્યું તો શરૂઆતમાં કલાકો સુધી તેમને સારવારની કોઇ સવલત અપાઇ નહોતી.
પ્રારંભના ૨૪ કલાકમાં પાકિસ્તાની વાયુસેનાના અધિકારીઓએ તેમની આકરી પૂછપરછ કરી હતી અને ભારતીય સેનાઓની તૈનાતી, અવરજવરની સંવેદનશીલ માહિતી અને ઉચ્ચ સ્તરીય સુરક્ષા ધરાવતી રેડિયો ફ્રિકવન્સી અંગે સંવેદનશીલ માહિતી આપવા દબાણ કર્યું હતું. આ માટે તેમના પર ખૂબ ટોર્ચર કરાયું હતું. તેમને ઉંઘવા દેવાયા નહોતા તો અભિનંદનને બેસવાની પણ મનાઇ ફરમાવી દેવામાં આવી હતી. સતત ઘોંઘાટભર્યું સંગીત સંભળાવીને તેમને ભ્રમિત અને અસહજ બનાવી દેવાનો પણ પ્રયાસ કરાયો હતો.
અલબત, શૂરવીર પાઇલટ અભિનંદન આ ટોર્ચર પછી પણ ટસના મસ થયા નહોતા અને પાકિસ્તાની સેનાને કોઇ માહિતી આપી નહોતી. ભારતીય સેનાના પાઇલોટોને દુશ્મનના આકરા ટોર્ચર સામે ટકી રહેવાની અને ગમેતેવા કપરા સંજોગોમાં પણ કોઇ માહિતી જાહેર ન કરવાની સખત તાલીમ અપાતી હોય છે. ભારતીય સેનાના અધિકારીઓ દ્વારા ડિબ્રીફિંગ પ્રોસેસ દરમિયાન આ માહિતી જાણવા મળી છે.
ઉલ્લેખનીય છે કે અભિનંદનને અંકુશ રેખાથી આશરે સાત કિલોમીટર દૂર પીઓકેના ભિમ્ભર જિલ્લાના હોરાન ગામમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ કસ્ટડીમાં લીધા હતા. સૂત્રોનું કહેવું છે કે અભિનંદનને પાકિસ્તાનમાં સતત એક સ્થળેથી બીજા સ્થળે ફેરવવામાં આવ્યા હતા.