નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના હંદવાડા ક્ષેત્રમાં ગયા સપ્તાહે ભારતીય સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાયા બાદ ભારતની જવાબી કાર્યવાહીના ડરથી ફફડેલા પાકિસ્તાન એરફોર્સે સરહદે જાપ્તો વધારી દીધો છે.
એક અહેવાલમાં સરકારના ટોચના અધિકારીઓનો હવાલો આપીને જણાવાયું છે કે પાકિસ્તાની વાયુસેનાના એફ-૧૬ અને જેએફ-૧૭ લડાયક વિમાનો સતત હવાઈ ચોકી કરી રહ્યાં છે.
તો બીજી તરફ, ભારતીય સેના પણ પોતાની સર્વેલન્સ સિસ્ટમની મદદથી પાકિસ્તાની હિલચાલ પર બારીક નજર રાખી રહી છે.
નોંધનીય છે કે બીજી મેના રોજ હંદવાડા ખાતે આતંકવાદીઓ સર્જાયેલી અથડામણમાં કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા સહિત પાંચ ભારતીય જવાન શહીદ થયા હતા.
પાકિસ્તાન દ્વારા સરહદી ક્ષેત્રમાં હવાઈ જાપ્તો વધારવામાં આવ્યો હોવાનો મતલબ એ થયો કે પાકિસ્તાન એમ માની રહ્યું છે કે હંદવાડા એન્કાઉન્ટર પછી ભારત તરફથી કોઈ મોટી સૈન્ય કાર્યવાહી થઈ શકે છે.