નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં આત્મઘાતી હુમલા પછી પાકિસ્તાન સરકાર અને મીડિયાનો વધુ એક શરમજનક ચહેરો ખુલ્લો પડ્યો છે. પાક. મીડિયાની સ્થિતિ તો એટલી ધૃણાસ્પદ છે કે ધ નેશન અખબારે તો હુમલાખોરને ‘સ્વતંત્રતા સેનાની’ ગણાવ્યો છે. ‘ડોન’ અખબારે એક નાનકડા સમાચાર સ્વરૂપે આ ઘટનાને સ્થાન આપ્યું છે. પાકિસ્તાન સરકારે હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના ભારતના આરોપોને ફગાવી દીધા છે. તો ભારત સાથે મૈત્રીનો રાગ આલાપનારા વડા પ્રધાન ઇમરાન ખાને આ હુમલા સંબંધમાં કોઈ અફસોસ જાહેર નથી કર્યો. પાકિસ્તાન સરકારના એક પણ પ્રધાન સંવેદના કે દુઃખ જાહેર કરવા પણ સામે નથી આવ્યા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. મહમદ ફૈઝલે એક ટ્વિટ કરીને ઘટનાની નિંદા કરી છે. સાથોસાથ તેમણે આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવતા નિવેદનોને પણ ફગાવી દીધા છે. પ્રવક્તાએ જણાવ્યું કે હુમલા પાછળ પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી. ટ્વિટમાં જણાવાયું હતું કે, ‘ભારતના કબજા હેઠળના કાશ્મીરના પુલવામામાં થયેલો હુમલો ચિંતાનો વિષય છે. વિશ્વમાં ક્યાંય પણ બનતી ત્રાસવાદી ઘટનાને અમે વખોડીએ છીએ.’